પોતાનો ભાઈ પ્રોડ્યુસર હોવાનો લાભ સંજય કપૂર નહોતો ઉઠાવી શક્યો

મુંબઇ, સંજય કપૂરની કરીઅર પર જોખમ હોવા છતાં ભાઈ બોની કપૂરે તેને મદદ નહોતી કરી. બોની કપૂર પ્રોડ્યુસર છે અને તેણે જ સંજયને લૉન્ચ કર્યો હતો. એ સંદર્ભે સંજય કપૂર કહે છે, ’હું કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને મારા ભાઈ બોનીએ ફિલ્મમાં નહોતો લીધો. તેણે જ્યારે ’નો એન્ટ્રી’ બનાવી ત્યારે તે ફરદીન ખાનને બદલે મને લઈ શક્યો હોત. એ ફિલ્મમાં અનિલ કપૂર અને સલમાન ખાન પહેલેથી હતા અને તેમને કારણે તો ફિલ્મ આરામથી ચાલવાની હતી.

તેમણે મને પસંદ કર્યો હોત તો પણ ફિલ્મ સફળ રહેવાની જ હતી. એ જેટલી સફળ રહી હતી એટલી જ સફળ મને પસંદ કર્યો હોત તો પણ રહી હોત. જોકે તેણે ફરદીનને પસંદ કર્યો હતો, કારણ કે મારા કરતાં એ સમયે તેની વૅલ્યુ વધારે હતી. છેલ્લાં ૨૦ વર્ષમાં મેં મારા ભાઈના પ્રોડક્શન-હાઉસમાં કામ નથી કર્યું. હું ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો એટલે તેમણે મને પ્રેમ નહોતો કર્યો એવું નહોતું. અંતે તો એ બિઝનેસ છે.’