સુરેન્દ્રનગર,સુરેન્દ્રનગર-સાયલા હાઈવે પરથી બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવા અંગે મહત્વનો ખુલાસો થયો છે. માતા-પિતાએ જ આવેશમાં આવી બાળકીને મારીને મૃતદેહ ફેંકી દીધો હોવાનું સામે આવ્યું હતું. બાઇક સ્લીપ થતા વહેમીલા પિતાએ બાળકીને અપશુકનિયાળ ગણી તેને મોતને ઘાટ ઉતારી હતી.
પોતાની જ માસૂમ બાળકીની હત્યા બાદ પોલીસની પૂછપરછમાં માતા પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમણે પોતાના હાથે જ બાળકીને મારી નાખી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે માતા પિતા પોતાની બાળકીને અપશુકનિયાળ સમજતા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં હૈયુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. દોઢ વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. એક નાળા પાસે માસૂમ બાળકીનો મૃતદેહ જોવા મળતાં કોઈએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં બાળકીના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. જોકે આ તપાસનો આ છેડો માતા પિતા સુધી પહોંચ્યો હતો.તેઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ચોટીલા જતા અગાઉ પિતાનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને ગુસ્સે થયેલા પિતાએ પોતાની જ બાળકીને અપશુકનિયાળ ગણી હતી અને ત્યારબાદ આવેશમાં આવીને પિતાએ બાળકીનું ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો હતો અને હત્યા બાદ નાળા પાસે બાળકીનો મૃતદેહ ફેંકી દીધો હતો હાલ પોલીસે બંને હત્યારા માતા-પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે ગત રોજ ભરૂચમાં પણ એક એવી ઘટના સામે આવી હતી. જેમાં નાની બાળકી ઉપર તાંત્રિક વિધી કરવામાં આવી હતી. તો સુરતમાં પણ એવી ઘટના સામે આવી હતી જેમાં માતાએ જ દિવ્યાંગ બાળકીની હત્યા કરી હતી. સુરત શહેરના વેડરોડ સ્થિત ફટાકડાવાડી વિસ્તારનો આ બનાવ છે. જ્યાં એક ઈજાગ્રસ્ત બાળકીને સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને થોડી જ વારમાં તેનું મોત થયું હતું. પ્રાથમિક ધોરણે તો તે બાળકીને ખેંચ આવી હોય તેવી વાત માતાએ ડૉક્ટરને કરી હતી. જો કે, બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે ખુદ પોલીસ પણ ચોંકી ગઈ.
પીએમ રિપોર્ટ મુજબ બાળકીની છાતીની પાંસળીઓ તૂટી ગઇ અને આંતરડામાં પણ ગંભીર ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યું. તેથી પોલીસ અને ડૉક્ટરને સ્પષ્ટ થઇ ગયું કે, બાળકી બીમારીના કારણે નહીં પણ તેની હત્યા થઇ છે. જેથી પોલીસે બાળકીના પરિવારની પૂછપરછ શરૂ કરી. આ પૂછપરછ દરમિયાન બાળકીની માતાના જવાબો ગોળગોળ હતા. તેથી પોલીસને શંકા ગઇ કે બાળકીની હત્યા અન્ય કોઈ નહીં પણ તેની માતાએ જ કરી છે. જેથી પોલીસે માતાની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે, તેણે જ તેની દીકરીની હત્યા કરી છે.