પોતાના ગઢમાં ચૈતર વસાવાનો હુંકાર : હમ ચૈતર વસાવા હૈ, કભી ઝુકેગા નહિ

  • ભાજપના લોકોએ મારા પીએ અને મને કહ્યું હતું કે, ભાજપમાં જોડાઈ જાવ નહિ તો તમારી કારકિર્દી ખલાસ કરી નાખીશું

ભરૂચ, ઇન્ડિયા ગઠબંધનના ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા હાલ જોરશોરથી પોતાના મત વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ભાજપ પર આક્ષેપ કર્યા હતા. ચૈતર વસાવાએ કહ્યું કે, ભાજપના લોકોએ મારા પીએ અને મને કહ્યું હતું કે, ભાજપમાં જોડાઈ જાવ નહિ તો તમારી કારકિર્દી ખલાસ કરી નાખીશું. ભાજપે કરેલ જેલોના તાળા તોડીને અમે લોકો તમારી વચ્ચે આવી ગયા છે. હું ભાજપના નેતાઓને કહેવા માગું છું કે, અમારો ખેલ પતી નથી ગયો, ખેલ તો હવે ચાલુ થયો છે.

ચૈતર વસાવાએ સંબોધનમાં કહ્યુ હતું કે, તેમના નેતા કહે છે કે, પાંચ લાખ લીડથી રમતા રમતા અમે જીતી જઈશું. પરંતુ આ નેતાઓને હું કહેવા માગું છું કે અમારો ખેલ પતી ગયો નથી. અમારો અસલી ખેલ હવે ચાલુ થયો છે. ભાજપના લોકોએ મારા પીએ અને મને કહ્યું હતું કે, ભાજપમાં જોડાઈ જાવ નહિ તો તમારી કારકિર્દી ખલાસ કરી નાખીશું. પરંતુ તમારા બધાની પ્રાર્થના અને તમારા બધાના આર્શીવાદને કારણે અમે એ લોકોની જેલના તાળા તોડી નાંખ્યા અને અમે તમારી વચ્ચે આવ્યા. જબ તક તોડેંગે નહિ, તબ ક છોડેંગે નહિ. હમ ચૈતર વસાવા હૈ, કભી ઝુકેગા નહિ.

ભરૂચ લોક્સભા બેઠક જીતવા અને મનસુખ વસાવાને વધુ મજબૂત કરવા માટે જ મહેશ વસાવાના કેસરિયા કરાયા છે.ભરૂચ લોક્સભાની બેઠક પર સાત વિધાનસભા બેઠકો છે. જેમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્ર્વર. આ સાત પૈકી ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા ધારાસભ્યપદે ચૂંટાયા છે. જે હાલ લોક્સભાની બેઠકના ઉમેદવાર છે. બાકીની તમામ ૬ બેઠકો ભાજપ પાસે છે. ત્યારે ચૈતર વસાવાના તોડ માટે જ ભાજપે મહેશ વસાવાને પાર્ટીમાં બોલાવ્યા છે. ભરૂચ ખાતેથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસનું તેમને સમર્થન છે. ભાજપ તરફથી સતત સાતમીવાર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતની રાજનીતિમાં આદિવાસી મતો મહત્ત્વપૂર્ણ છે. ત્યારે મહેશ વસાવા ભાજપમાં જોડાતા ભાજપને બીટીપીની તૈયાર કૅડર મળી છે, જે આપના ચૈતર વસાવા સામે મોટો પડકાર ઉભો કરી શકે છે. ઝગડિયા, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડામાં બીટીપીનું વર્ચસ્વ છે. ભલે હાલ વિધાનસભામાં તેની એક પણ બેઠક ન હોય પરંતુ છોટુભાઈ વસાવાને માનનારા લોકો આ વિસ્તારમાં ઓછા નથી.

ભાજપમાં જઈને કેસરિયા કરનાર બીટીપી નેતા મહેશ વાસાવાએ ગઈકાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આપની જીતવાની શક્યતા જ નથી, ચૈતર વસાવા ક્યાંય ખોવાઈ જશે ખબર પણ નહીં પડે. તો બીજી તરફ, ગઈકાલે ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું. જોકે, આ બેઠકમાં કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા હતા.