
મુંબઇ,
પંકજ ત્રિપાઠીએ ’આઝમગઢ’ ફિલ્મ માટે પોતાની તસવીરનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ કરતી નોટિસ ફિલ્મ નિર્માતાને પાઠવી છે. હવે તેની સામે નિર્માતાએ પણ પંકજ ત્રિપાઠીને નોટિસ આપી છે અને પંકજ પોતાને ધમકીઓ આપી રહ્યાનો આક્ષેપ કર્યો છે. ફિલ્મસર્જકનો આરોપ છે કે, પંકજ ત્રિપાઠીએ ફોન પર ધમકીઓ આપી છે, જેના તમામ રેકોર્ડિંગ તેની પાસે છે. જરૂર પડયે તે તેને પણ જાહેર કરશે.
સંજય ભટ્ટનું કહેવું છ કે, ૯૦ મિનીટની ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની ૩૦-૪૦ મિનીટની ભૂમિકા છે, અને તેમ છતાં પોતાનો ટૂંકો રોલ હોવાના પંકજના દાવાથી તેમને આશ્ર્ચર્ય થયું છે. સંજય ભટ્ટે કહ્યું હતુ કે મારી પંકજ ત્રિપાઠી સાથે કોઇ દુશ્મની નથી તેને કોઇ મુદ્દે વાંધો હતો તો તેણે મને કહેવું જોઇતું હતું. આ મામલે ધમકી આપવી ખોટી વાત છે. હવે આ મામલે કાયદાકીય રીતે ચાલશે.
આ ફિલ્મનાં પોસ્ટર ઠેર ઠેર લાગ્યાં હતાં. તેમાં પંકજને કોઈ ઉદ્દામવાદી જેવા ચહેરા સાથે દેખાડાયો છે. આ પોસ્ટર્સ જોઈ પંકજ નારાજ થયો હતો અને તેને લાગ્યું હતું કે નિર્માતા તેની લોકપ્રિયતા હવે ખોટી રીતે વટાવી રહ્યા છે.