- ગોંડલની મેંગણી પોસ્ટ ઓફિસમાં મોટું કૌભાંડ
- પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ 9.97 કરોડનું આચર્યું કૌભાંડ
- CBIએ 13 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટના ગોંડલની મેંગણી પોસ્ટ ઓફિસમાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા બચત ખાતામાં દૈનિક વ્યવહારોમાં ગરબડ કરી ઠગાઈ આચરવામાં આવતા ગાંધીનગર સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે CBIએ 13 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ગોંડલ પોસ્ટ ઓફિસના અધિકારીએ નોંધાવી ફરિયાદ
રાજકોટ ગોંડલ ડિવિઝનલ પોસ્ટ ઓફિસ હેઠળ આવતી મેંગણી પોસ્ટ ઓફિસમાં 9.97 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે. જેની ગોંડલ નોર્થ ડિવિઝનલ પોસ્ટ ઓફિસના અધિકારીએ યશવંત જોશી, હેમાંગ વ્યાસ, કાંતિલાલ ટાંક સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
બચત ખાતામાં દૈનિક વ્યવહારોમાં ગડબડ કરી ગુનો આચર્યો
ફરિયાદ અનુસાર, મેંગણી પોસ્ટ ઓફિસ દ્વારા જરૂરી વાઉચરો એકાઉન્ટ ઓફિસ ગોંડલ ખાતે મોકલવામાં આવતા નહોતા. તો પોસ્ટ ઓફિસની રોકડ રકમ પણ પોતાની પાસે જ રાખવામાં આવતી હતી. આ પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓના પરિવારના સભ્યો અને ગ્રામીણ ડાક સેવકોના સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને કુલ 9.97 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
CBIએ 13 લોકો સામે તપાસ શરૂ કરી
બચતખાતા અને દૈનિક વ્યવહારોમાં ગડબડ કરીને 9,97,80,064 રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર CBIમાં નોંધાઈ છે. CBIએ 13 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.