પોશીનાના અજાવાસ ગામે ત્રીપલ મર્ડરની ઘટના, પાંચ વર્ષના બાળક સહિત ત્રણની હત્યા

હિંમતનગર,

સાબરકાંઠા જિલ્લાના પોશીનાના અજાવાસ ગામે ત્રીપલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘટનામાં પાંચ વર્ષના બાળકનુ મોત નિપજ્યુ છે. કૌટુંબિક ઝઘડાને લઈ અંગત અદાવાતને લઈ ઘર્ષણ સર્જાતા સામ સામે હુમલો કરતા બંને વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત ઘટનામાં એક બાળકે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાને પગલે પોશીના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. ઘટનામાં એક આરોપી ઈજાગ્રસ્ત છે, જેની પર પોલીસ જાપ્તો રાખવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ મધ્યરાત્રીના અરસાદ દરમિયાન જીજણાટ ગામનો રમેશભાઈ ઉદાભાઈ બુબડીયા અજાવાસ ગામે આવેલો હતો. જેણે પોતાની ભાભીના ભાઈ પર હુમલો કર્યો હતો. રાત્રી દરમિયાન તેણે પોતાની ભાભીના ભાઈ લલ્લુભાઈ લાડુભાઈ ગમારને કુહાડીના ઘા ઝિંક્યા હતા. ઘટનામાં પિતા સાથે ખાટલામાં સુતેલા પાંચ વર્ષના કલ્પેશને પણ કુહાડીના ઘા ઝીંકીને ક્રુર હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને પગલે મરનાર લલ્લુભાઈના ભાઈ મકનાભાઈએ કરી દીધી હતી. બંનેએ સામસામે હુમલો કરતા મકનાભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે હત્યા કરવા આવેલો રમેશ બુબડીયા ખુદ પણ હત્યાનો શિકાર થયો હતો.

મધ્યરાત્રીના અરસા દરમિયાન આ ત્રિપલ મર્ડરની હત્યાની ઘટના સર્જાઈ હતી. ઘટના સ્થળેથી પોશીના પોલીસે બાળક સહિત ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઘટનાને લઈ ઈડર ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કાર્યવાહી ઝડપી બનાવી છે. ઈડર DySP  સ્મિત ગોહિલે જણાવ્યુ હતુ કે, રાત્રી દરમિયાન આ ઘટના ઘટી હતી અને કુહાડીના ઘા ઝીંકીને લલ્લુભાઈને તેમની બહેનના દિયરે મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમની સાથે સુઈ રહેલા તેમના પુત્રને પણ કુહાડીના ઘા ઝિંક્યા હતાં. જેમાં બંનેનુ મોત નિપજ્યુ હતુ. ઘટના દરમિયાન મૃતક લલ્લુભાઈના ભાઈ મકનાભાઈએ પણ વળતો હુમલો રમેશ પર કરતા તે પણ ત્યાં જ ઢળી પડ્યો હતો. મકનાભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચી છે.

આગળ જણાવ્યુ હતુ કે, ઘટના સર્જાવાનુ મુળ કારણ શુ છે એ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. હાલમાં પ્રાથમિક રીતે કૌટુંબિક અદાવતનુ કારણ માનવામાં આવી રહ્યુ છે. પોલીસની ટીમ દ્વારા ઘટના અંગે તપાસ શરુ કરી દેવામાં આવી છે.