પોરબંદરના ઓડદર દરિયા કિનારે ખડકાયેલા ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામોનું ડિમોલિશન

પોરબંદર જિલ્લામાં સરકારી જમીન પર થયેલી પેશકદમી દૂર કરવા માટે તંત્ર ફરી મેદાને આવ્યું છે. માધવપુર રોડ પર ઓડદર ગામાના સર્વે નંબરમાં દરિયકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલી પેશકદમી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ કાફલા સાથે આજે મંગળવારે સવારથી ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. પાકા બાંધકામો અને દિવાલો તોડી પાડવામાં આવી હતી.

પોરબંદર-માધવપુર રોડ પર રંગબાઇ માતાજીના મંદિર નજીકના ઓડદર ગામના સર્વે નંબરમાં આવેલા દરિયા કિનારે સરકારી જમીન પર થયેલી પેશકદમી દૂર કરવાની કામીગીરી તંત્ર દ્રારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે.ડી લાખાણીની સુચનાથી પ્રાંત અધિકારી સંદિપ જાદવ અને ગ્રામ્ય મામલતદાર સહિતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પેશકદમી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

પ્રાંત અધિકારી સંદિપ જાદવના જણાવ્યા અનુસાર, રંગબાઇ માતાજીના મંદિર આસપાસ અંદાજે ૨૪૦ વિઘા જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ જેટલા ફાર્મહાઉસનો પણ સમાવેશ થાય છે . અંદાજે કિંમત રૂ.૧૦ કરોડ જેવી થવા જાય છે. ત્રણ જેસીબીની મદદથી ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પાકા બાંધકામો અને દિવાલો દૂર કરી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.