પોરબંદરના હાઇવે પરથી ભોદ ગામ પાસેથી લકઝરી બસમાં ચાલતુ હરતુ ફરતુ જુગારધામ પકડાયું!

શ્રાવણ મહિનો શરૂ થયો છે અને ઠેર ઠેર જુગારના પાટલા તથા હાટડા મંડાતા હોય છે ત્યારે પોલીસ પણ આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે ધોરાજીના મોટી મારડ ગામે રહેતા ખાનગી ટ્રાવેલ્સના માલિકે પોતાની લકઝરી બસમાં સીટો કાઢીને હરતુ ફરતુ જુગારધામ શરૂ કર્યુ છે અને આ બસ પોરબંદર તરફ આવી રહી છે.

તેથી પોલીસે ભોદ ગામના પાટીયા પાસે મોડી રાત્રે વોચ ગોઠવીને હરતાફરતા જુગારધામ એવી આ બસમાંથી બસના માલિક, ડ્રાઇવર ઉપરાંત નવ જેટલા શકુનીઓને પત્તા ટીંચતા પકડી પાડયા છે.આ તમામ શખ્શો ધોરાજીના મોટી મારડના હોવાનું જાણવા મળ્યુ છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ, જુગારની ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો એલ.સી.બી. ઓફિસે હાજર હતા તે દરમ્યાન અગાઉથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયા તથા હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂને હકીક્ત મળેલ કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહેતા ભરત ભોપાભાઇ રાક્સીયા તથા અલ્પેશ મગનભાઇ વાછાણી એમ બંને જણા પોતાના કબ્જા હવાલાવાળી બસમાં પાછળની સીટો કાઢી તેમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી પૈસા પાના વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે.

અને આ બસ ધોરાજીથી પોરબંદર તરફ આવનાર હોય અને સદરહુ બસ રાજકોટ-પોરબંદ હાઇવે ભોદ ગામના પાટીયા પાસે મળી આવતા જેમાં કુલ મોટી મારડ ગામના નવ ઇસમો દલસાણીયા શેરીમાં રહેતા જીતેન્દ્ર પરષોતમભાઇ ડેડાણીયા ઉ.વ ૫૨, તારવાડી શેરીમાં રહેતા રાહુલ ભુપતભાઇ વડાલીયા ઉ.વ. ૪૦, તારવાડી શેરીમાં રહેતા કીરીટ શામજીભાઇ રાછડીયા ઉ.વ. ૫૯, તારવાડી શેરીમાં રહેતા ગોવિંદ ગોરધનભાઇ ભુત ઉ.વ. ૫૬, સહકારી મંડળી પાસે રહેતા મનોજ ભુપતભાઇ મકવાણા ઉ.વ. ૨૮, ખરાવાડ પ્લોટમાં રહેતા ડાયાલાલ કેશવજી ભીમાણી ઉ.વ. ૫૮, ગાંધીચોકમાં રહેતા અનીલ ગંગાદાસ કાલરીયા ઉ.વ. ૫૯, ચાંગેલા શેરીમાં રહેતા મુકેશ પોપટભાઇ ગોહેલ ઉ.વ. ૩૫, બસસ્ટેન્ડ પાસે રહેતા નિલેષ જેન્તીલાલ કાલરીયા ઉ.વ. ૪૯, પટેલ ડેલીમાં રહેતા ભરત ભોપાભાઇ રાક્સીયા ઉ.વ. ૪૪, અને કાલરીયા શેરીમાં રહેતા અલ્પેશ મગનભાઇ વાછાણી ઉ.વ. ૪૧ જુગાર રમતા હોય અને આ બસના માલિક તથા ડ્રાઇવર જુગાર રમાડતા મળી આવતા તમામ આરોપીઓને ગંજીપત્તાના પાના નંગ બાવન તથા રોકડા રૂા. ૨,૧૪,૪૦૦ રૂા તથા પાથરણ -૧ અને બસ કિ.રૂા. ૯,૦૦,૦૦૦ મળી કુલ રૂા. ૧૧,૧૪,૪૦૦ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.