કચ્છ અને દ્વારકાના દરિયા કાંઠેથી થોડા દિવસો પૂર્વે ડ્રગ્સના પેકેટો મળી આવ્યા હતા. ત્યાર બાદ હવે પોરબંદરના દરિયા કાંઠેથી પણ ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે. પોરબંદર એસઓજી ટીમને પોરબંદરના દરિયા કાંઠેથી ૭ પેકેટ ડ્રગ્સ મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર પોરબંદર જિલ્લાના દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતને મળેલ લાંબા ૧૬૦૦ કિલોમીટર દરિયા કિનારાના જેટલા ફાયદાઓ છે તેની સામે અનેક પડકારો પણ રહેલા છે. દરિયાઇ માર્ગનો દુર ઉપયોગ કરી ભૂતકાળમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ પણ આ રસ્તે કરવાના અનેક પ્રયાસો પાડોશી દેશ દ્વારા કરવામાં આવ્યા છે, જે પ્રયાસોને આપણી સુરક્ષા એજન્સીઓ દ્વારા અવાર નવાર નાકામ પણ કર્યા છે. છેલ્લા થોડા વર્ષોથી અરબી સમુદ્રના માર્ગે નશીલા પદાર્થોની હેરફેરના અનેક પ્રયાસો થયા છે અને હજારો કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાની-ઇરાની આરોપીઓ પકડાયા પણ છે. ગત વર્ષે ઓગસ્ટ ૨૦૨૨ માં પણ પોરબંદરના દરિયા કાંઠે બિનવારસી મારીઝુઆના હસીસ ડ્રગ્સના પેકેટ મળવાના બે બનાવ સામે આવ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પોરબંદરના ઓડેદરના દરિયિ કાંઠેથી તથા માધવપુર અને કુછડીના દરિયા કાંઠેથી બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે.
પોરબંદરના ઓડેદર દરિયા કાંઠેથી ૫ ડ્રગ્સના પેકેટો તથા કુછડી અને માધવપુર દરિયા કાંઠેથી એક એક પેકેટ મળી આવ્યા છે. આ ડ્રગ્સના કુલ જથ્થાની અંદાજીત કિંમત રૂપિયા ૧૨ લાખ થાઇ છે. દરિયા કાંઠે આ રીતે બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળી આવતા પોરબંદર એસ.ઓ.જી.એ સમગ્ર જિલ્લાના દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
એકાદ વર્ષ પૂર્વે ઓગષ્ટ ૨૦૨૨માં કચ્છથી લઈ પોરબંદર તેમજ ગીર સોમાનાથના દરિયાકાંઠે આ પ્રકારના નશીલા પદાર્થના પેકેટ મળવાના અનેક બનાવો સામે આવ્યા હતા. ત્યારે ફરી એક વખત આ પ્રકારના બનાવ સામે આવ્યા છે. ભૂતકાળમાં પોરબંદરનો જે દરિયાકાંઠો દાણચોરી સહિતના કારણે ચર્ચામાં રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાંથી આ પ્રકારનો જથ્થો મળી આવતા ફરી એક વખત ભારે ચર્ચા જોવા મળી રહી છે.