પોરબંદરમાં વિરામ બાદ ફરી ૭ કલાકમાં ૧૯ ઇંચ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ

પોરબંદરમાં વિરામ બાદ ફરી વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. સવારે ૪ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં ૧૯ ઈંચ વરસાદ ખાબકી જતા ચોતરફ પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. આ તરફ ઘેડ પંથકમાં પણ ૭ કલાકમાં ૧૯ ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં એક્સાથે ૨૭ ઈંચ વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી પોરબંદરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સવારે ૪ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં ૧૯ ઈંચ વરસાદ થતા સર્વત્ર ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદે ફરી એકવાર ઘેડની કમર તોડી નાખી છે. ભારે વરસાદને પગલે પોરબંદરની જીવાદોરી સમાન ખંભાળા ડેમ છલકાયો છે. ખંભાળા ડેમ સંપૂર્ણપણે છલકાતા લોકોમાં આનંદની લાગણી છે. નીચાણવાળા ૧૨ ગામોને એલર્ટ રહેવા૩ સૂચના અપાઈ છે.

પોરબંદરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરતા શહેરમાં એક્સામટો અઢી ઈંચ વરસાદ ખાબકી ગયો છે. શહરેમાં અગાઉના પાણી હજુ ઓસર્યા ન હતા ત્યાં ફરી વરસાદ ખાબકી જતા શહેરમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે. ૨૨ જેટલા ગામ હજુ પણ સંપર્ક વિહોણા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા અનેક ગામોમાં પાણી ભરાયા છે. કેટલાક ગામોમાં ૨ થી ૮ ફુટ સુધી પાણી ભરાયેલા છે. જેના પગલે ગામલોકોને અવરજવર કરવામાં પારવાર હાલાકી વેઠવી પડી રહી છે.