પોરબંદર સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાવાના કેસમાં જહાજના ૬ ક્રુ-મેમ્બરને આજીવન કેદની સજા

પોરબંદર, પોરબંદર સમુદ્રમાં જહાજમાંથી ૧૪૪૫ કિલો હેરોઇન ઝડપાવાના કેસમાં કોર્ટે ૧૦ ક્રુ-મેમ્બરને સજા ફટકારી છે. આ કેસમાં ૬ ક્રુ-મેમ્બરને આજીવન કેદ તો ૪ ક્રુ-મેમ્બરને ૧૦-૧૦ વર્ષની સજા તેમજ તમામને એક એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં પોરબંદર અરબી સમુદ્રમાં ગુજરાત કોસ્ટગાર્ડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હેનરી જહાજમાંથી ૧૪૪૫ કિલો હેરોઇન જેની બજાર કિંમત ૪૮૦૦ કરોડ ઝડપી પાડ્યું હતું. આ હેરોઇન સાથે સેટેલાઈટ ફોન અને ૧૩ જેટલા શખ્સોની પણ અટકાયત કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૭માં કોસ્ટગાર્ડ અને એસ.ઓ.જીએ સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડી તમામને પોરબંદર કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસ દરમિયાન ત્રણ આરોપીઓના મોત થયા હતા. ત્યારે આજે પોરબંદરની એડિશનલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં મુખ્ય ૬ આરોપીઓને આજીવન કેદ અને અન્ય ૪ આરોપીને ૧૦-૧૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ એક એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

હેનરી જહાજ પાકિસ્થાનના ગવાદર બંદરથી નીકળ્યું હતું અને ગુજરાતના સમુદ્ર કિનારા પર હેરોઇન ઉતારવાનું હતું હેરોઇન ભરેલ જહાજ સમુદ્રમાંથી જ સુરક્ષા એજન્સીઓએ ઝડપી લેતા ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો નાકામયાબ રહ્યો હતો.