પોરબંદર નજીક આવેલા બરડા ડુંગર પર આવેલી પોલીસની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા

રાજ્યના ખુણે ખુણા પર ચાંપતી નજર રાખવામાં આવે છે છતા પણ અવારનવાર દારુનો જથ્થો ઝડપાયો છે. પોરબંદર નજીક આવેલા બરડા ડુંગર પર પોલીસના દરોડા પડ્યા હતા.પોરબંદર પોલીસ પ્રકાશ પર્વ દિવાળી પહેલા જ આકરા પાણીએ જોવા મળી હતી.જિલ્લા પોલીસ વડા, પોલીસ કાફલો અને વન વિભાગની ટીમ સાથે બરડા ડુંગર પર દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા અને હજારો લીટર દારુના કેરબા અને ભટ્ટીઓને તોડી પાડી હતી.

પોરબંદર જિલ્લામાં દિન પ્રતિદિન દેશી દારૂનું વેચાણ વધી રહ્યું છે.આ તમામ દેશી દારૂનું ઉત્પાદન બરડા ડુંગર પર થતું હોવાની પોલીસને સૌ પ્રથમ બાતમી મળી હતી.જેના પગલે પોલીસે જ પ્લાન બનાવી એક ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું. કલાકો સુધી એસ.પી સહિતનો કાફલો એક એક ભઠ્ઠી સુધી પહોંચ્યો અને સમાજના આ દુષણનો નાશ કર્યો હતો.

આપને કહી દઇએ કે બરડા ડુંગર પર ખતરો પણ એટલો જ હતો. કેમ કે 200 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલા આ ડુંગર પર 3 સિંહ અને 20થી વધુ દીપડાના આંટાફેરા ચાલી રહ્યાં છે. ત્યારે આ પ્રકારના જંગલી પ્રાણીઓના વિસ્તારમાં પણ પોલીસે અલગ અલગ 6 ટીમ બનાવી ઓપરેશન પાર પાડ્યું અને તમામ દેશી દારુની ભટ્ટીઓનો નાશ કર્યો હતો.

દિવાળી પહેલા બુટલેગરો કે દારૂનું ઉત્પાદન કરનારને કાયદાનું ભાન કરાવવા અને દેશી દારૂના કારણે લોકોનું આરોગ્ય જોખમાય નહીં કે લઠ્ઠાકાંડ ન થાય તે માટે એસ.પી.જાતે જઇ ભઠ્ઠીઓ તોડી પાડી અને એક દાખલો બેસાડ્યો હતો કે કોઇપણ સંજોગોમાં દારુ, ડ્રગ્સ કે જુગારના દુષણને સાંખી લેવામાં આવશે નહીં.