પોરબંદરમાં નશાયુક્ત ઝેરી પ્રવાહી પીતા બે લોકોના મોત, ચાર લોકો સારવાર હેઠળ.

પોરબંદર
રાજ્યમાં ફરી નશાયુક્ત ઝેરી પ્રવાહીનો કહેર વર્તાયો છે. પોરબંદરમાં નશાયુક્ત ઝેરી પ્રવાહી પી લેતા બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણથી ચાર લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોરબંદરમાં આજે વહેલી સવારે આ દુર્ઘટના ઘટી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે. આ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ આ લોકોના મોતનું સાચું કારણ સામે આવશે.

પોરબંદરના સુભાષનગર વિસ્તારની વહેલી સવારની ઘટના છે. નશીલુ કેમિકલ પીવાથી વિઠ્ઠલ પરમાર તથા સુરેશ જેબર નામના વ્યક્તિના મોત નીપજ્યા છે. આ ઘટનમાં અન્ય ત્રણથી ચાર વ્યક્તિઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. બે મૃતક વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ આ અચાનક બનેલી ઘટનાને કારણે આખા પંથકમાં શોક સાથે ડરનો માહોલ છવાયો છે.