
પોરબંદર: આજના આધુનિક યુગમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ વધ્યો છે, તેની સાથે સાથે તેના નકારાત્મક પરિણામો પણ મળી રહ્યાં છે. ખાસ કરીને નાની ઉંમરની બાળાઓને ફસાવવાના ધંધા વધ્યા છે. ત્યારે પોરબંદરમાં સાડા તેર વર્ષની તરૂણી સાથે 27 વર્ષના ઢગાએ ફ્રેન્ડશીપ કેળવ્યા બાદ માત્ર 40 દિવસના સંપર્કમાં તેના ઉપર ચાર ચાર વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે અને પોલીસે પણ આ શખ્સની ધરપકડ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના કમલાબાગ પોલીસમથકની હદમાં રહેતા સગીરાના વાલીએ એવી પોલીસ ફરિયાદન નોંધાવી છે કે, તેની માત્ર સાડા તેર વર્ષની દીકરીને એરપોર્ટ સામે ગાયત્રી હાઈટસમાં રહેતા અને મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે ફરજ બજાવતા મિત સુધિર ભટ્ટે સોશ્યલ મિડીયાના માધ્યમથી પરિચય કેળવ્યો હતો અને બાદમાં તેની સાથેનો પરિચય ગાઢ બનાવીને તેને લલચાવી ફોસલાવી હતી.
તા.૨૦-૯નાં સંપર્કમાં આવ્યા બાદ માત્ર ૪૦ દિવસની અંદર જ આ મિત ભટ્ટ નામનો શખ્સ સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો. જેમાં ચાર વખત તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહત્વની બાબત એ છે કે એક વખત તો આ નરાધમ આ સગીરાને પોતાના ઘરે ફલેટ પર લઈ ગયો હતો અને ત્યાં પણ તેણે દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સિવાય પણ અલગ અલગ ત્રણ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.
સગીરાના વાલીના ફરિયાદના આધારે પોલીસે મિત ભટ્ટની ધરપકડ કરી છે અને રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજના સોશ્યલ મિડીયાના યુગમાં અસંખ્ય શખ્સો સગીરાઓ અને યુવતીઓને ફસાવી રહ્યાં છે અને લલચાવી ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવીને તેને હવસનો શિકાર બનાવી રહ્યાં છે ત્યારે આ મુદ્દે લોકજાગૃતિ જરૂરી બની છે.