પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ૭૨ વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત, સ્પર્ધકો શોકગ્રસ્ત

પોરબંદર,

પોરબંદર શહેરમાં સમુદ્ર કિનારે રાષ્ટ્રીય કક્ષાની ૨૧ મી તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં સ્પર્ધકોએ કડકડતી ઠંડીમાં સમુદ્ર સામે બાથ ભીડતા હોય તેમ તરવા માટે ઝંપલાવ્યું હતું. જોકે આ સ્પર્ધામાં અમદાવાદથી આવેલા ૭૨ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ચાલુ સ્પર્ધા દરમિયાન ૭૨ વર્ષીય વૃદ્ધને હાર્ટ એચેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. આયોજકોએ તેમને તાત્કાલિક સારવાર માટે મોકલી આપ્યા હતા જો કે તે દરમિયાન વૃદ્ધ સ્પર્ધક પ્યારેલાલ બસંતલાલ જાખોદિયાનું મોત થયું હતુ. ઘટનાને પગલે આયોજકો, સ્પર્ધકો અને પ્રેક્ષકો ચિંતામાં મૂકાયા છે. પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ સ્પર્ધા દરમિયાન વૃદ્ધના મોઢામાં પાણી જતું રહેતા હાર્ટ એટેક આવ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં દિવ્યાંગ સ્પર્ધકો પણ જોડાયા હતા. પોરબંદર ખાતે ચોપાટી ઉપર ૨૧ મી સ્વીમેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્પર્ધકોએ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા અંગે સ્વિમિંગ ક્લબના પ્રમુખ દિનેશ પરમારે જણાવ્યું હતું કે આજથી બે દિવસીય સ્વિમિંગ કલબ દ્વારા નિતિ-નિયમ મુજબ આયોજન કરવામાં આવેલા છે જેમાં યુવાનોથી માંડીને વૃદ્ધ અને પેરા સ્વીમરો ભાગીદાર બન્યા છે. અહીં ૧ થી ૧૦ કીલોમીટર સુધીની તરવાની સ્પર્ધા થાય છે.

અહીં આવતા સ્પર્ધકો માટે રહેવા જમવા સહિતની સુવિધાઓ મળી રહે અને કોઈ ઘટના કે દુર્ઘટના ના બને તેના માટે સતત સ્પર્ધકોની સાથે લાઇફ બોટ, નેવી ગાર્ડ રાખવામાં આવે છે, જેથી કોઈ સ્પર્ધકને પાણીમાં તકલીફ પડે તો તુરંત કિનારે સુધી લાવવામાં સરળતા રહે. જોકે તેમ છતાં વૃદ્ધનું મોત થતાં સ્પર્ધકોમાં તેમજ આયોજકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ૭ અને ૮ જાન્યુઆરી બે દિવસની સ્પર્ધામાં ૧ કિમી તરણમાં ૫૦૬ સ્પર્ધક છે ૨ કિમી સ્પર્ધામાં ૧૪૦ સ્પર્ધક છે ૫ કિમી સ્પર્ધામાં ૧૨૧ સ્પર્ધકો છે ૧૦ કિમી સ્પર્ધામાં ૧૪૮ સ્પર્ધકો છે તેમજ ૧ થી ૫ કિમી સ્પર્ધામાં ૨૫ જેટલા દિવ્યાંગ યુવક યુવતીઓ જોડાયા છે. બે દિવસ ચાલનારી સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં ત્રણ ત્રણ વિજેતા જાહેર કરવામાં આવશે અને વિજેતા બનનારને ટ્રોફી આપીને પ્રોત્સાહન પણ પૂરૂ પાડવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ કોમ્પિટિશન માં ૯ જેટલા રાજયો માંથી અંદાજે ૯૦૦ થી વધુ સ્પર્ધક આવ્યા છે. દરેકના હાથ પર એક ટાઇમિંગ ચિપ્સ લગાવવામાં આવે છે જેથી માઈક્રો ટાઇમિંગ નિશ્ર્ચિત કરી શકાય તેમજ મેડિકલ ટીમ સુવિધા રેસ્ક્યુ જેવી તમામ પ્રકારની સુવિધા કલબ દ્વારા રાખવામાં આવે છે.