
પોરબંદર, પોરબંદર જિલ્લામાં તહેવારો દરમિયાન પણ અનેક સ્થળોએ રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ થયું ન હતું જેને લઇને કાર્ડ ધારકોમાં રોષ જોવા મળે છે અને વહેલીતકે વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરમાં રાશનકાર્ડ ધારકોને દર મહીને ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ અને નિમક સહિતના ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવે છે જે સામાન્ય રીતે ૧૦ તારીખ સુધીમાં શરુ થઇ જતું હોય છે પરંતુ આ વખતે શહેર ઉપરાંત જીલ્લાના અનેક ગામોમાં હજુ સુધી અનાજનું વિતરણ કરાયું નથી. જેથી કાર્ડ ધારકોમાં રોષ જોવા મળે છે. શહેરના સલાટ વાડા,ભોંયવાડા,ખારવાવાડ વગેરેમાં પણ અનાજ વિતરણ ન થતા આ વિસ્તારોના શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. જીલ્લામાં ૧૬૨ સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને ૮૦ હજારથી વધુ એનએએસએ કાર્ડ ધારકો છે જેમાં અનેક પરિવારો એવા છે જે રાશનના અનાજ પર જ નભે છે. એક તરફ્ રામનવમી, હનુમાનજયંતી,ચૈત્રી નવરાત્રી સહિતના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે જ કાર્ડધારકો રાશનની દુકાનોએ ધક્કા ખાઈ રહ્યા છે અને અનાજ ક્યારે આવશે તે અંગે પુછપરછ કરી રહ્યા છે.
દુકાનદાર વિમલભાઈ તુંબડીયાએ એવું જણાવ્યું હતું કે સમયસર અનાજ ન મળતા લોકો તેમની દુકાને ધક્કા ખાઈ રહ્યા છે અને તેના લીધે કાર્ડધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ પણ થઇ રહ્યું છે.સરકાર જો સમયસર અનાજ પહોંચાડે તો જ ૧૦૦ ટકા વિતરણ થઇ શકે મહિનો પૂરો થવા આવે ત્યારે અનાજ મળે તો દરેક સુધી અનાજ પહોંચાડવું મુશ્કેલ બને છે કેટલાક દુકાનદારોએ તો કાર્ડ ધારકો ને જવાબ આપવા ન પડે તે માટે દુકાનો બંધ જ રાખવી પડે છે આ અંગે ગોડાઉન મેનેજર ઓડેદરા ને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ મારત તેઓને જ અનાજનો જથ્થો મોડો મળ્યો હતો અને લેબરના કેટલાક પ્રશ્ર્નો હોવાથી આ વખતે હજુ સુધી અનેક વિસ્તારમાં અનાજ વિતરણ થઇ શક્યું નથી આગામી પાંચેક દિવસમાં જીલ્લામાં અનાજ વિતરણ થઇ જશે તેવી શક્યતા છે. આ અંગે એપીએસએસો.ના પ્રમુખ રાજેશભાઈ ઠકરારે એવું જણાવ્યું હતું કે પોરબંદર તાલુકાની અડધા થી વધુ દુકાનો અને જીલ્લાની ૭૦ ટકા દુકાનોમાં હજુ અનાજ વિતરણ શરુ થઇ શક્યું નથી. આથી તેમના એસો દ્વારા પણ તંત્રને સમયસર અનાજ નો જથ્થો ફળવવા રજૂઆત કરાઈ છે.