પોરબંદરમાં ડ્રગ્સનો દરિયો : ગુજરાત ATS, NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી 500 કિલો ડ્રગ્સ ઝડપ્યું

પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS, NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી 500 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી.

બાતમીના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું. જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3,600 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી. જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી.

500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું ગઈકાલે મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે. હજુ સત્તાવાર રીતે આ મામલે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી.

173 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરાઈ હતી અગાઉ પોરબંદરના દરિયામાંથી એનસીબી, એટીએસ અને કોસ્ટગાર્ડે 60 કરોડની કિંમતનું 173 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. એજન્સીઓએ આ સાથે 2 શખ્સોની ધરપકડ પણ કરી હતી. તેના આગલા દિવસે 600 કરોડની કિંમતનું 86 કિલો હેરોઇન ઝડપાયું હતું.