
વડોદરામાં પૂરની સ્થિતિ બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરામાં ભારે વરસાદ બાદ નિર્માણ થયેલી પરિસ્થિતિમાં જનતા સાથે એક પણ નેતા ઉભો ન રહ્યો. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નેતાઓ નાગરિકોના રોષનો ભોગ બન્યા છે. ચૂંટણી સમયે લોકોની તકલીફમાં સાથ આપવાના બણગાં ફૂંકનારા નેતાઓ ખરા સમયે જનતાને કામ ન આવ્યા. શહેરના વિવિધ વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળતાં લોકોની હાલત કફોડી થઈ પરંતું નેતાઓ પોતાના બંગલામાં બેસી રહ્યાં. આવા સમયે લોકોની ભાળ ન લેનારા નેતાઓ સામે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો.
વોર્ડ નંબર- ૭ના કોર્પોરેટર બંદિશ શાહ દેખાડો કરવા આવ્યા તો લોકોએ તેમને ભગાડી મુક્યા. તો આવી જ સ્થિતિ ધારાસભ્ય મનીષા વકીલની થઈ. ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકોએ ધારાસભ્યનો હુરિયો બોલાવ્યો હતો. છેલ્લા ૩ દિવસથી હરણી વિસ્તારના લોકો મુસીબતમાં હતા. તેમ છતાં ધારાસભ્ય દેખાયા ન હતા. મોડે મોડે ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારમાં સફાઈ કરાવવા પહોંચતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. લોકોને ખાવાના ફાંફા હતા ત્યારે ધારાસભ્ય પોતાના બંગલામાં બેસી રહી તમાશો જોયો અને હવે વ્હાલા થવાથી શું ફાયદો.
લોકોના રોષનો ભોગ તો વિધાનસભાના દંડક બાળુ શુક્લા અને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને પણ બનવું પડ્યું. સમા વિસ્તારની અજીતનગર સોસાયટીમાં ગયા તો લોકોએ રોકડું પરખાવી દીધું. સમા વિસ્તારની અજીતનગર સોસાયટીના નાગરિકોએ નેતાઓને સંભળાવી દીધું, લોકોએ નેતાઓ સામે બળાપો કાઢ્યો અને હવેથી તેમના વિસ્તારમાં ન ઘૂસવાની ચેતવણી પણ આપી.
લોકોની પરેશાની સમયે ગાયબ થઈ જતા નેતાઓ સામે લોકોમાં ભારો રોષ જોવા મળી રહ્યો છે. નેતાજીને માલૂમ થાય કે આ જનતાએ તમને સેવા માટે મત આપ્યા છે માત્ર મેવા માટે નહીં.