મુંબઇ,અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી મોત થયું હોવાના દુખદ સમાચાર સામે આવ્યા છે. તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવી છે. પૂનમ પાંડેના નિધનના સમાચારથી ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. પૂનમ પાંડેના મેનેજરે આ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ૧ ફેબ્રુઆરીની રાતે સર્વાઈકલ કેન્સર સામે જંગ લડ્યા બાદ પૂનમે દમ તોડ્યો છે.
પોતાની બોલ્ડનેસ અને વિવાદોના કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી પૂનમ પાંડેના અચાનક નિધનથી ચાહકો શોકમાં છે. ૩૨ વર્ષની પૂનમ સર્વાઈકલ કેન્સરથી પીડાતી હતી. આ વાતનો ખુલાસો અભિનેત્રીની ટીમે પોતાના એક નિવેદનમાં કર્યો છે. સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજથી તેમની ટીમે અધિકૃત નિવેદન જાહેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે આજની સવાર આપણા બધા માટે ખુબ મુશ્કેલ છે. એ જણાવતા અમને દુખ થાય છે કે આપણી વ્હાલી પૂનમને આપણે સર્વાઈકલ કેન્સરના કારણે ગુમાવી દીધી છે. આ દુખભરી પળમાં અમે પ્રાઈવસીની રિકવેસ્ટ ફેન્સને કરીએ છીએ જેથી કરીને અમે તેમને પ્રેમથી યાદ કરી શકીએ.
પૂનમ પાંડેની પીઆર ટીમનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. અભિનેત્રીની પીઆર ટીમનું કહેવું છે કે છેલ્લા શ્ર્વાસ લીધા ત્યારે તે પોતાના હોમટાઉન કાનપુરમાં હતી. જો કે પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.
પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરાયેલી આ પોસ્ટે સોશિયલ મીડિયા યૂઝર્સને પણ સ્તબ્ધ કરી દીધા છે. અનેક યૂઝર્સ પોસ્ટ પર એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે શું આ મજાક છે. શું તેઓ સર્વાઈકલ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માંગે છે કે પછી તેમનું એકાઉન્ટ તો હેક નથી થઈ ગયું ને! જો કે પૂનમ પાંડેની પીઆર ટીમનું કહેવું કઈક અલગ જ છે.
અત્રે જણાવવાનું કે પૂનમ પાંડે ઈન્ડસ્ટ્રીની સૌથી વિવાદિત હસ્તીઓમાંથી એક હતી. પોતાના બોલ્ડ લૂકના પગલે તે ખુબ વિવાદમાં અને ચર્ચામાં રહેતી હતી. તે ઉપરાંત તેની વાતો અને એક્શન્સ ઉપર પણ ખુબ વિવાદ થતા રહેતા હતા.