પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગયા અઠવાડિયે નિંદાના આરોપમાં હિંસક ટોળાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વૃદ્ધ ખ્રિસ્તી વ્યક્તિનું મૃત્યુ થયું છે. પોલીસે સોમવારે આ અંગે માહિતી આપી હતી. કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાનના કાર્યકરોની આગેવાની હેઠળના ટોળાએ ૨૫ મેના રોજ ખ્રિસ્તી સમુદાયના સભ્યો પર હુમલો કર્યો હતો, જેમાં બે ખ્રિસ્તીઓ અને દસ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
આ હુમલો લાહોરથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર પંજાબના સરગોધા જિલ્લાની મુજાહિદ કોલોનીમાં થયો હતો. ટોળાએ ખ્રિસ્તીઓના ઘરો અને મિલક્તોને સળગાવી અને લૂંટી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ટોળાએ નઝીર મસીહ ઉર્ફે લાઝર મસીહ નામના એક વૃદ્ધ ખ્રિસ્તીના ઘર અને જૂતાની ફેક્ટરીને ઘેરી લીધી હતી અને તેના પર કુરાનનો અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ જૂતાની ફેક્ટરી તેમજ કેટલીક દુકાનો અને કેટલાક મકાનોને આગ ચાંપી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, એફઆઈઆર જણાવે છે કે ટોળાએ મસીહને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થળ પર પહોંચેલી પોલીસે મસીહ અને ખ્રિસ્તી સમુદાયના અન્ય દસ સભ્યોને બચાવી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે મસીહ સરગોધાની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો જ્યાં રવિવારે તેનું મૃત્યુ થયું હતું. જો કે પાકિસ્તાનમાં ખ્રિસ્તી સમુદાયના લોકો પર ટોળા દ્વારા કરવામાં આવેલો આ પહેલો હુમલો નથી, આ પહેલા પણ પાકિસ્તાનમાં અન્ય સમુદાયના લોકોને ઈશનિંદાના આરોપમાં નિશાન બનાવવામાં આવ્યા છે.