દાહોદ જિલ્લાના ચાર ગોડાઉનમાં ગોધરાના ભામૈયાના એફસીઆઇ ગોડાઉનમાંથી ભરીને 4 ટ્રકમાં જતો અનાજનો જથ્થો લુણાવાડા રોડ પરના છબનપુરની હોટલ આગળ સગેવગે કરવાનું રેકેટ પકડાયું હતુ. પંચમહાલ પુરવઠા વિભાગે દાહોદ પુરવઠા વિભાગને જાણ કરીને ટ્રકોમાં જીપીએસ સીસ્ટમ ચાલુ કે બંધ છે કે નહિ તેની તપાસ હાથ ધરી છે. પુરવઠા વિભાગે હોટલ માલિક સહીત ટ્રેકટર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા લુણાવાડા રોડ પરના છબનપુર પાસેની બંધ હોટલ પાસેથી ઉભી રહેલી ટ્રકમાંથી સરકારી અનાજ સગેવગે કરતા એસઓજી પોલીસે 14 કટ્ટા અનાજ પકડીને પુરવઠા વિભાગને જાણ કરી હતી. જેથી પંચમહાલ પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા તાત્કાલિક છબનપુર પાસેની બંધ અમરદીપ હોટલ પાસે પહોંચીને તપાસ કરી હતી. તપાસમાં ગરબાડા, ઝાલોદ, ધાનપુર તથા લીમખેડાના ગોડાઉનમાં મોકલાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું રેકેટ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. પુરવઠા વિભાગની તપાસમાં ભામૈયા પાસેના એફસીઆઇ ગોડાઉનમાંથી દાહોદના ચાર તાલુકાના ગોડાઉન મોકલવાનો સરકારી અનાજનો જથ્થો કોન્ટ્રાકટરની ટ્રકમાં ભરીને દાહોદ તરફ રવાનો કર્યો હતો. ચાર ટ્રક દાહોદ રોડ પર જવાને બદલે છબનપુર પાસેની ચૌહાણ ક્લ્યાણસિંહ પર્વતસિંહની બંધ અમરદીપ હોટલની આગળ પહોચી હતી. ત્યાંથી 4 ટ્રકમાંથી સરકારી અનાજ સગેવગે કરતા હતા. પુરવઠા વિભાગે 14 કટ્ટા અને ટ્રેકટર મળીને રૂા.7 લાખનો મુદ્દામાલ કબજે કરીને હોટલ પર 4 ટ્રકની વધુ તપાસ કરવા દાહોદ પુરવઠા વિભાગને જાણ કરી હતી. દાહોદ પુરવઠાની ટીમને જાણ કરતા ટીમ છબનપુર પહોચીને સરકારી અનાજની ગણતરીની કામગીરી હાથ ધરશે. ટ્રકમાં લોડ એલર્ટ કે જીપીએસ સીસ્ટમ બંધ કરી છે કે નહિ ? તેની પણ તપાસ હાથ ધરી હતી. પંચમહાલ પુરવઠા વિભાગે દાહોદ કલેકટરને કોન્ટ્રાકટર અને ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા રીપોર્ટ કરશે.
ટ્રક રૂટ બદલે તો GPSનો મેસેજ અધિકારીને મળે છે સરકારી અનાજની હેરાફેરી કરતા વાહનોમાં લોડ સેન્સર અને જીપીએસ લગાવવામાં આવે છે. ભામૈયાના એફસીઆઇના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ભરીને જતી ચાર ટ્રકમાં લોડ સેન્સર અને જીપીઅેસની સિસ્ટમ એપ્લિકેશન મારફતે મોનિટરિંગ ગોડાઉન મેનેજર અને જવાબદાર અધિકારીઓ કરતા હોય છે. જો આ ચાર ટ્રકનું રજિસ્ટ્રેશન થયેલુ હશે તો ટ્રકો અન્ય રૂટ પર જાય ત્યારે એલર્ટ મેસેજ ગોડાઉન મેનેજર અને જવાબદાર અધિકારીઓ જાય છે. ત્યારે દાહોદ જિલ્લામાં જતી ટ્રક લુણાવાડા રોડ તરફ જતા એલર્ટ મેસેજ આવવા છતાં જિલ્લાના જવાબદાર અધિકારી તપાસ ન કરતા નિષ્કાળજી છતી થઇ હોય તેમ લાગી રહ્યું છે.
જવાબદારો સામે કાર્યવાહી કરીશું દાહોદ જિલ્લાના ચાર ગોડાઉનમાં જતુ સરકારી અનાજ ભરેલી 4 ટ્રક લુણાવાડા રોડ પરના છબનપુર પાસેની હોટલ આગળ અનાજ સગેવગે થતું પકડાયું છે. દાહોદ પુરવઠા વિભાગને જાણ કરી છે. સરકારી અનાજ સગેવગે કર્યાની તપાસ કરીને કોન્ટ્રાકટર અને ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા રિપોર્ટ દાહોદ કલેક્ટરને મોકલીશું. તેમજ 14 સરકારી અનાજના કટ્ટાની તપાસ પંચમહાલમાં કરીને જવાબદારો સામે કાર્યવાહી કરીશું. – એચ.ટી.મકવાણા, પુરવઠા અધિકારી, પંચમહાલ