લોકો હેલ્મેટ પહેરે, તે માટે સુરત પોલીસે જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી છે. બીજી બાજુ, બાઈક પર સ્ટંટ કરનાર અને પૂરજોશમાં બાઈક ચલાવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ, સુરત પોલીસનો આયોજિત કાર્યક્રમ પૂર્ણ થયા પછી કેટલાક સ્પોર્ટ્સ બાઈક ચલાવનાર લોકો સ્ટંટ કરતા નજરે પડ્યા હતા . એટલું જ નહીં, સ્ટંટ દરમિયાન નાના બાળકને બાઈકની પાછળની સીટ પર બેસાડીને વ્હીલી મારી હતી, જે ખૂબ જ જોખમી હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસે આયોજકો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રજાસત્તાક દિને સુરત પોલીસ દ્વારા “નો ડ્રગ્સ અભિયાન” હેઠળ એક કાર્યક્રમ સફલ સ્ક્વેર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ બાઈક સવારોએ પણ ભાગ લીધો હતા. જોકે, કાર્યક્રમ પૂર્ણ થયા પછી પીપલોદ રોડ પર બાઈક ચલાવનારાઓ દ્વારા સ્ટંટ કરવાનો વીડિયો સામે આવ્યો છે. બાઈક સવારોએ જાહેર રસ્તાઓ પર સ્ટંટ કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકો તે જોતા હતા અને તેમના વીડિયો બનાવી રહ્યા હતા.
સ્ટંટ કરનાર બાઈક સવાર એક બાદ એક જુદા જુદા સ્ટંટ કરી રહ્યા હતા, પરંતુ સૌથી જોખમી સ્ટંટ ત્યારે થયો જ્યારે સ્ટંટ કરનાર બાઈકચાલકે એક નાના બાળકને જે હેલ્મેટ વગર હતો તેને પોતાની પાછળ બેસાડ્યો હતો અને સ્ટંટ કરી રહ્યો હતો. સામાન્ય રીતે, આવી ઘટનાઓ સામે આવે ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે છે. જોકે, આ વીડિયોઝ વાયરલ થયા પછી પોલીસ હવે આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
બાઈકચાલકોની પાછળ બેસનાર બાળક માટે કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને તેને હેલ્મેટ પણ પહેરાવવામાં આવ્યું ન હતું. આશરે 30 મિનિટ સુધી બાઇકસવારો દ્વારા જુદા જુદા સ્ટંટો ચાલ્યા હતા. બાઈકસવારોએ જાહેર રસ્તા બંધ કરીને સ્ટંટ કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકો તે જોવા માટે ભેગા થયા હતા. વેસુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.આઈ.પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ “નો ડ્રગ્સ અભિયાન” હેઠળ આયોજિત હતો જેમાં બાઈક સવારોએ પણ હાજરી આપી હતી.કાર્યક્રમ પૂર્ણ થયા પછી આ ઘટના ઘટી હતી. અમે આયોજકોને બોલાવ્યા છે અને આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.