પોલીસકર્મી સાથે 21.90 લાખનો સાયબર ફ્રોડ:પ્રોડક્ટના રિવ્યુના ટાસ્ક પૂર્ણ કરવામાં 5 ગણુ કમિશન આપવાની લાલચ પૈસા ખંખેર્યા; સાયબર ક્રાઇમમાં ફરિયાદ

સાયબર માફિયાઓએ 5 ગણુ કમિશન આપવાની લાલચ આપીને વડોદરાના પોલીસકર્મી પાસેથી 21.90 લાખ રૂપિયા પડાવ્યા છે. આ મામલે પોલીસકર્મીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીને ટેલિગ્રામમાં મેસેજ આવ્યો હતો વડોદરાના પ્રતાપનગર હેડ ક્વાર્ટ્સ ખાતે રહેતા પોલીસકર્મીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મને ટેલિગ્રામ એક મેસેજ આવ્યો હતો અને તેમાં કંપનીની પ્રોડક્ટના રિવ્યુ આપવાનું પાર્ટટાઇમ કામ કરીને દિવસના 200થી 300 રૂપિયા કમાઇ શકો છો, તેમ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ વેબસાઇટની લિંક મોકલી હતી, જેમાં રજીસ્ટર થવા માટે જણાવ્યું હતું. તેઓએ મને ઇન્વીટેશન કોડ મોકલ્યો હતો, જેથી મેં રજીસ્ટ્રેશન કર્યું હતું.

શરૂઆતમાં ટાસ્કના રૂપિયા આપી વિશ્વાસમાં લીધાં ત્યારબાદ તેઓએ ઓનલાઇન શોપિંગની પ્રોડક્ટ કપડા, શુઝ અને પર્સ સહિતની 30 પ્રોડક્ટના 2 રિવ્યુ ટાસ્ક આપ્યા હતા. ત્યારબાદ તેઓએ મને ટેલિગ્રામ લિંક મોકલી હતી, જેમાં હું જોઇન થયો હતો. શરૂઆતમાં તેઓએ મને ટાસ્ક પૂર્ણ કરવા માટે 900 રૂપિયા આપ્યા હતા, જેથી મને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ તેઓએ ટાસ્ક માટે અવારનવાર પૈસા માંગ્યા હતા અને મેં રૂપિયા જમા પણ કરાવ્યા હતા.

વધુ કમાવાની લાલચમાં 22.41 લાખ રૂપિયા ભર્યા આ દરમિયાન તેઓએ મને 5 ગણુ કમિશન આપવાની પણ લાલચ આપી હતી અને 35100 રૂપિયા મારા એકાઉન્ટમાં તેઓએ જમા કરાવ્યા હતા. જેથી મને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો. મેં તેઓના અલગ-અલગ ખાતામાં અલગ-અલગ સમયે 22.41 લાખ રૂપિયા ભર્યા હતા. જેની સામે પ્રોફિટ સાથે 28.53 લાખ રૂપિયા બતાવતા હતા. તેઓએ મને વિશ્વાસમાં લેવા માટે કુલ 51,300 રૂપિયા આપ્યા હતા.

પૈસા વિડ્રો કરવા વધુ 8 લાખ ભરવા કહ્યું ત્યારબાદ મેં રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રૂપિયા વિડ્રો થયા નહોંતા. જેથી કંપનીનો લેટર આવ્યો હતો કે, તમારો ક્રેડિટ સ્કોર 96 ટકા છે, જેને 100 ટકા કરવા માટે 8 લાખ રૂપિયા ભરવા પડશે. તમે તે રૂપિયા ભરશો તો જ તમને 36.53 લાખ રૂપિયા મળશે. જો કે, મેં કોઇ રૂપિયા ભર્યા નહોતા અને મારી સાથે 21.90 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે, જેથી મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.