પોલીસ વાનમાં દારૂ લઈ જતા પોલીસકર્મી-હોમગાર્ડ ઝડપાયા:અમદાવાદમાં રિક્ષામાંથી દારૂ મળતા રોકડી કરવાનું વિચાર્યુ; પોલીસે બાતમીના આધારે પોલીસનો જ ખેલ પાડ્યો

અમદાવાદમાં પોલીસકર્મી અને તેના સાથીઓએ એક રિક્ષા રોકી હતી અને તેમાંથી જાણે લોટરી લાગી હોય તેમ દારૂની બોટલ મળી આવી હતી. દારૂની બોટલ મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરવાના બદલે દારૂ પીસીઆર વાનમાં મૂકી દીધો હતો. હવે ક્યાંક રોકડી થઈ જશે, તેવું વિચારી રહ્યા હતાં તેટલામાં જ અન્ય પોલીસ કર્મીઓએ પીસીઆર વાનને અટકાવી તપાસ કરતા દારૂ અને રોકડ રકમ મળી આવી હતી. આ મામલે બન્ને પોલીસકર્મી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે બાતમીના આધારે 91 નંબરની વાન તપાસી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નરોડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા કિરણકુમાર બાબુજીએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ નરોડા પોલીસ લાઇનના ગેટ પાસે ગેલેક્ષી ચાર રસ્તા તરફ હતાં. તે સમયે નરોડાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટ એ. આર. ધવનએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનની પી.સી.આર વાન નં.91માં મોબાઇલ વાનના ઈન્ચાર્જ તથા તેમની સાથે નોકરી કરતા હોમગાર્ડએ કોઈ જગ્યાએથી એક કાળા કલરની બેગમાં વિદેશી દારૂની શીલબંધ બોટલો પીસીઆરમાં રાખી છે. આ માહિતીના આધારે પોલીસે પીસીઆર વાન રોકીને તપાસ કરતા પીસીઆરના ઇનચાર્જ પોતાનું નામ સતીશ જીવણજી ઠાકોર અને તેમની સાથે હાજર હોમગાર્ડે પોતાનું નામ વિક્રમસિંહ રણજીતસિંહ રાજપૂત હોવાનું જણાવ્યું હતું .

બન્ને પોલીસકર્મીની ધરપકડ કરાઈ પોલીસે જ્યારે પી.સી.આર વાનમાં તપાસ કરી ત્યારે પાછળની સીટમાં બેસેલ હોમગાર્ડ વીકમસિંહે ગાડીમાંથી એક કાળા કલરનો થેલો લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકી લેતા તેના થેલામાંથી દારૂની બે બોટલ અને 30 હજાર રૂપિયા મળી આવ્યા હતા. આ બંનેની પાસે કોઈ યોગ્ય જવાબ ન મળતા પોલીએ બન્નેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

બુટલેગરે માલ પકડાતા પરિચિત વ્યક્તિને જાણ કર્યાની ચર્ચા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જે રિક્ષામાં દારૂ હતો તેની પાસથી પોલીસે દારૂ લઈ લીધો હતો. ત્યારબાદ રિક્ષાચાલકે જ આ અંગે તેના પરિચિતને ફોન કર્યો અને તેણે આ વાત પોલીસને કહી હતી, જેથી આ ખેલ પકડાયો હતો.