પોલીસે સિરિયલ કિલર તાંત્રિકની પ્રેમિકાનું કંકાલ કાઢ્યું : લગ્ન તૂટવાના ડરે લાશના કટકા કરી વાંકાનેર નજીક દાટી

અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નીપજ્યું હતું. તાંત્રિકના મોત થયા બાદ હજુ નવા ખુલાસા થઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને 11 ડિસેમ્બર બુધવારે અમદાવાદ પોલીસે વાંકાનેર જઈને તપાસ હાથ ધરી હતી. જેમાં બે સાક્ષીઓને સાથે રાખીને તેમણે એક જગ્યાએ ખોદકામ કર્યું હતું જ્યાં તાંત્રિકે તેની પ્રેમિકાની લાશના ટુકડા કરીને દાટી દીધા હતા જે લાશના ટુકડા આજે પોલીસે શોધી કાઢ્યા છે.

પોલીસે ખોદકામ કરતા સ્થળ ઉપરથી મૃતક યુવતીનું માથું સહિતના શરીરના અવશેષો મળી આવતા પોલીસે તેને કબજે કરીને તે અવશેષોને ફોરેન્સિક પીએમ માટે લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે લાશને સગેવગે કરવા કોણે મદદ કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કેસમાં અમદાવાદની સરખેજ પોલીસને મહત્વની સફળતા મળી છે.

મૃતક તાંત્રિક નવલસિંહ ચાવડા વિશે પોલીસને કેટલીક મહત્વની કડી મળી હતી અને પોલીસને એવું જાણવા મળ્યું હતું કે તેની પાસે કેટલાક લોકો આવતા હતા અને પોતાની સમસ્યા જણાવતા હતા. તેમાં એક પરિવાર તેમની દીકરીની સાથે તાંત્રિક પાસે જતો હતો. આ પરિવારને રોજ તાંત્રિકના પ્રભાવમાં જોઈને તેની દીકરી પણ તાંત્રિકના પ્રભાવમાં આવી ગઈ અને તેને તાંત્રિક સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. તાંત્રિક એટલો ભેજાબાજ જ હતો કે તેણે તેની પોતાની વાતોમાં યુવતીને ફસાવી અને એની સાથે સંબંધો બાંધ્યા હતા, પરંતુ તાંત્રિક પોતે પરણીત હતો અને તેણે પોતાના લગ્ન સંબંધ તૂટી જશે તેવી શંકા થઈ એટલે તેણે પણ યુવતીને રસ્તામાંથી ખસેડવા માટેનો આખો પ્લાન કર્યો અને યુવતીની પહેલા હત્યા કરી અને અને તેને મોત થયું ત્યાં સુધી રાહ જોઈ હતી. ત્યાર બાદ તેણે ધાબા પર જઈને તેની લાશના ટુકડા કર્યા હતા. પોલીસ સૂત્રોના પાસેથી મળતી માહિતી પ્રમાણે તે લાશ સગેવગે કરવા માટે કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ તેઓ વાંકાનેર પાસે એક જગ્યાએ ખાડો ખોદીને આ યુવતીની લાશના ટુકડા દાટી દીધા હતા.

મૃતક નગમા મુકાસમનો મૃતદેહ જે જગ્યાએ દાટ્યો હતો ત્યાંથી શોધી કાઢવા માટે થઈને આજે અમદાવાદ પોલીસ વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર પોલીસને સાથે રાખીને વીસીપરાની રેલવે ફાટક પાસે સરધારકા રોડના ખૂણા પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક રહેતા નવલસિંહના ભાણેજ શક્તિસિંહ ભરતભાઇ ચાવડાને સાથે રાખીને ખોદકામ કરવામાં આવ્યું હતું. જે જગ્યામાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યાં જુદા જુદા કોથળામાંથી મૃતક યુવતીનું માથું સહિતના અવશેષો મળી આવ્યા હતા જેને પોલીસે કબજે કર્યા છે અને પીએમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તકે વાંકાનેરના ડીવાયએસપી સમીર સરડા, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.ડી.ઘેલા, વાંકાનેરના પ્રાંત અધિકારી અને અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વિલન્સના પીએસઆઇ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહે છેલ્લા 13 વર્ષમાં 12 જેટલા લોકોની હત્યા કરી હોવાની માહિતી સામે આવી હતી. જેમાં રાજકોટમાં રહેતા કાદરઅલી મુકાસમના પરિવારનો પણ સમાવેશ થાય છે. તેની મળતી વિગત પ્રમાણે રાજકોટના 62 વર્ષના વૃદ્ધ કાદર અલી મુકાસમ ઘરના કલેશ અને પરેશાની દૂર કરવા તાંત્રિક નવલસિંહના આશરે ગયા હતા. ત્યાર બાદ કાદરભાઈ તેમના પત્ની અને પુત્રના મૃતદેહ પડધરી નજીક મોટા રામપાર ગામે જંગલમાં ખરાબ હાલતમાં પડેલી રીક્ષામાંથી મળ્યા હતા અને તમામને આપઘાત કર્યાની વિગતો સાથે પોલીસે તપાસ પૂર્ણ કરી હતી.

જોકે નવલસિંહે આ તમામને પણ પાવડર પીવડાવીને હત્યા કર્યાની વિગતો સામે આવી છે અને 13 વર્ષમાં કુલ 12 હત્યા કરી હતી. તેના પરિવારના ત્રણ સભ્યોને બાદ કરતાં બાકીના આઠ લોકોની હત્યા બાબતે નવલસિંહની કેફિયતની આપી હતી. જેથી મોબઈલફોન લોકેશન પોલીસે મેળવ્યા હતા અને પરિવારજનોના પણ કોલ રેકોર્ડસ મેળવ્યા હતા. જે લોકોની હત્યા કરેલ હતી તે મૃતકોના મૃતદેહો મળ્યાં તેની આસપાસના વિસ્તારમાં નવલસિંહના લોકેશન મળી આવ્યા છે.

જેની હત્યાઓ કરી હતી તેમાં અસલાલી- વિવેક ભાનુભાઈ ગોહિલની વર્ષ 2021, સુરેન્દ્રનગર બી-ડિવીઝન દિપેશ પાટડિયા, તેમના પત્ની પ્રફુલ્લાબેન અને પુત્રી ઉત્સવીની માર્ચ 2023માં આ પરિવારના મૃતદેહો દુધરેજ ગામ નજીક કેનાલના નાળા નીચે મળ્યાં હતાં. પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટના ભગવતીપરામાં રહેતા કાદર અલીભાઈ મુકાસમ, તેમની પત્ની ફરીદાબહેન અને પુત્ર આસિફનો મૃતદેહ મોટા રામપર ગામના જંગલમાંથી મળી આવ્યો હતો. પુત્રી નગમાની હત્યા કરીને મૃતદેહના ટૂકડા કર્યા હતા. જે વાંકાનેર પાસે દાટી દિધા હતા. અંજાર વિસાતારમાં રાજ બાવાજી નામના શખ્સની પાઉડર પીવડાનીને હત્યા કરી હતી. બે વર્ષ પહેલાં આરોપીએ તેની માતા અને દાદીની હત્યા કરી હતી.

આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુલિયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આજે અમારી ટીમે વાંકાનેર પાસે જઈને તપાસ કરી હતી અને અમને લાશના ટુકડા મળ્યા છે. બીજી તરફ આ સમગ્ર મામલે હજુ વધુ તપાસ ચાલી રહી છે.

આ પ્રકરણમાં બીજા કોઈ સામેલ છે કે નહીં તેની તપાસ અંગે ઝોન 7 ડીસીપી શિવમ વર્મા દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમને કેટલાક અવશેષો મળ્યા છે. બીજા કોઈની સંડોવણી છે કે નહીં તે તપાસ ચાલી રહી છે.