પોતે માસ્ક પહેર્યા વગર પોલીસકર્મીએ ફ્રૂટની લારી પર કરી ડંડાવાળી

કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકોને માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવાનું સુચન કરવામાં આવે છે અને જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. આ દંડની કામગીરી વચ્ચે જેમની પાસે કોઈ સત્તા નથી, જે સરકારના તમામ આદેશનું પાલન કરવા બંધાયેલી છે તે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જે લોકો પાસે સત્તા છે તેઓ બેફામ નિયમોનો ભંગ કરે તો પણ કોઈ કાર્યવાહી થતી નથી. જેના ઉદાહરણો અવાર નવાર ભાજપના કાર્યક્રમમાં જોવા મળે છે. નેતાઓના કાર્યક્રમોમાં નિયમોનું ભંગ થાય તો પણ બંદોબસ્તમાં રહેલી પોલીસ જોયા કરે છે. પણ ભાઈ સામાન્ય વ્યક્તિ માસ્ક પહેર્યા વગર રસ્તા પર નીકળે તો પોલીસ દ્વારા મોટા આરોપીની જેમ તે વ્યક્તિ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે ભરૂચમાં પોલીસકર્મીની દાદાગીરી સામે આવી છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા નીકળેલો પોલીસકર્મી પોતે જ માસ્ક દાઢી પર લટકાવીને કામગીરી કરતો જોવા મળ્યો હતો. તેથી આ પોલીસકર્મીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

રિપોર્ટ અનુસાર ભરૂચ બાયપાસ રોડ પર ભરૂચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવામાં આવતું હતું. આ કામગીરી દરમિયાન એક પોલીસકર્મીએ રસ્તા પર ઉભા રહેલા ફ્રૂટવાળાની લારી પર દંડા માર્યા હતા. આ ઘટનામાં હદ તો એ વાતની છે કે, લારીવાળાઓએ માસ્ક ન પહેરવા માટે ફ્રૂટની લારી પર દંડાવાળી કરનાર પોલીસકર્મીએ પોતે જ માસ્ક દાઢી પર લટકાવીને રાખ્યું હતું. એક તો પોલીસકર્મી પોતે તો નિયમનું બરાબર પાલન કરતો નથી અને બીજાને શિખામણ આપીને પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે. ખોટી રીતે દાદાગીરી કરી રહેલા ભરૂચના પોલીસકર્મીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પોલીસકર્મીની આ પ્રકારની કામગીરીના કારણે સ્થાનિક વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

આગામી દિવસોમાં ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને પોતાની સત્તાનો ખોટો ઉપાયોગ કરીને લોકો સાથે દાદાગીરી કરનારા આ પોલીસકર્મી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે, નહીં તે જોવાનું બાકી રહ્યું છે. પોલીસે માસ્ક ન પહેર્યું હોવા છતાં તેમની દાદાગીરીનો આ પહેલો કિસ્સો નથી પણ અવાર નવાર રાજ્યમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા અમદાવાદમાં એક પોલીસકર્મીએ સોસાયટીને સિક્યોરિટી સુપરવાઈઝરને માસ્ક કેમ નથી પહેર્યું કહીને લાકડી વડે માર માર્યો હતો અને આ ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.