પોલીસની ડંડાવાળી: ધર્મપરિવર્તનના વિરોધમાં ઉતરેલા યુવાનોને દોડાવ્યા

  • ડીસામાં ધર્મપરિવર્તન મુદ્દે બંધ દરમિયાન લાઠીચાર્જ
  • રેલીમાં થયેલા લાઠીચાર્જ દરમિયાન એક યુવક ઘાયલ
  • ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડાયો

ડીસામાં ધર્મપરિવર્તન મુદ્દે બંધ દરમિયાન લાઠીચાર્જ
દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે ત્યારે ગુજરાતમાં પણ આજે આવી જ ઘટના સામે આવી છે. લવજેહાદનો વિરોધ કરવા માટે ડીસામાં આજે હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતર્યા હતા ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જેમાં એક યુવક ઘાયલ પણ થયો હતો.

ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડાયો
નોંધનીય છે કે ડીસામાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના તમામ મોટા સંગઠનો આજે આ બંધના એલાનમાં સમર્થનમાં હતા તથા વેપારીઓએ પણ સપોર્ટ કર્યો હતો. આજે રેલી બાદ SDM ને આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભીડ ભેગી થયા બાદ પોલીસે લોકોને દોડાવ્યા હતા. જોકે હાલ ઘાયલ યુવકને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે આવી કાર્યવાહી બાદ લોકોમાં રોષ વધારે થવાની પણ ભીતિ છે. 

શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે ડીસામાં એક વિધર્મી દ્વારા યુવતીને લગ્ન માટે ફસાવી હતી જેમાં તેનો અને યુવતીની માતાનો ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યો હોવાનો દાવો છે. આ બાબતે યુવતીના ઘરના મોભીએ આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો તથા સમગ્ર મામલે વિધર્મીઓ દ્વારા 25 લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી. જે બાદ સમગ્ર ડીસા પંથક આ મુદ્દાને લઈને લોકોમાં રોષ વધ્યો હતો.