
સુરતના સચિન GIDC વિસ્તારના ગભેણી ગામમાં પોલીસ બૂટલેગરના ઘરે રેડ કરવા પહોંચી હતી. ત્યારે બૂટલેગર નયના અને પોલીસ વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપી સર્જાઈ હતી. સાથે મહિલા બૂટલેગર દ્વારા એક જ રટણ કરવામાં આવતું હતું કે, પૈસા તો આપી દીધા છે છતાં રેડ કરવા આવી જાવ છો. તે દરમિયાન પોલીસકર્મી કોઈને ફોન કરવા જતાં તેનો ફોન ઝુંટવી બૂટલેગરોએ તોડી નાખ્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયા છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા ગભેણી ગામમાં મહિલા બૂટલેગરના ઘરમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા સચિન GIDC પોલીસ બૂટલેગરના ઘરે પહોંચી હતી. પોલીસ ઘરમાં ઘૂસતાની સાથે જ મહિલા બૂટલેગર અને તેના મળતિયાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તે દરમિયાનના એક વીડિયોમાં મહિલા બૂટલેગર અને તેના મળતિયાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પૈસા આપવા છતાં પણ તમે દોડ્યા આવો છો.

મહિલા બૂટલેગર દ્વારા પોલીસકર્મીઓ સાથે રીતસરની ઝપાઝપી કરવામાં આવી હતી. આ સાથે જ બૂટલેગરના મળતિયાઓ દ્વારા આ તમામ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવી રહ્યો હતો. બૂટલેગર દ્વારા સતત એક જ રટણ કરવામાં આવતું હતું કે પૈસા આપી દીધા છે છતાં તમે કેમ રેડ કરવા આવો છો. આ બાબતે કોઈ પોલીસ અધિકારી સાથે પણ ફોનમાં વાત કરાવવામાં આવી હતી. જો કે બૂટલેગરના મળતિયાઓ દ્વારા વીડિયો બનાવવામાં આવતો હોવાથી મામલો ઉગ્ર બન્યો હતો.
એક પોલીસકર્મી દ્વારા કોઇને ફોન કરવામાં આવતો હોવાની જાણ થતાં જ મહિલા બૂટલેગર દ્વારા તેની પાસેથી ફોન લઈ લેવામાં આવ્યો હતો અને નીચે ફેંકીને તોડી નાખવામાં આવ્યો હતો. વીડિયો બનતો હોવાને લઈને પોલીસ અને મહિલા બૂટલેગર અને તેના મળતીયાઓ વચ્ચે ઘર્ષણ પર સર્જાયું હતું અને ઝપાઝપી થઈ હતી. આ બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે અને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ ઘટનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી રેડના છે. મહિલા બૂટલેગર એના તેના પતિ દ્વારા પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસે 118 લીટર દેશી દારૂ પણ કબજે કર્યો હતો અને મહિલા બૂટલેગર નયના અને તેના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો.