પોલીસ સ્ટેશનની બાજુમાં જ ભડાકા:‘શૌચાલય ખોલ, મારા બાપે બનાવ્યું છે’, કહી યુવા ભાજપ મંત્રી સોરઠિયાએ ફાયરિંગ કર્યા

રાજકોટ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાત્રિના શહેરમાં હતા ત્યારે જ ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય પાસે શહેર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠિયાએ બે રાઉન્ડ ફાયર કરતા દોડધામ મચી ગઈ હતી. સોરઠિયાવાડી સર્કલ નજીક પૂર્વ મેયર ઉપાધ્યાયની કિલનિક પાસે ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું જાહેર શૌચાલય તેનોે કર્મચારી બંધ કરી રહ્યો હતો ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠિયા અને કિરણબેન સોરઠિયાનો પુત્ર તથા શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા ત્યાં ધસી ગયો હતો અને આ શૌચાલય મારા બાપે બનાવ્યું છે, શા માટે બંધ કરી દીધું તેમ કહી કર્મચારીની ધોલાઈ શરૂ કરી હતી.

શૌચાલયના કર્મચારીને મારી રહેલા કરણ સોરઠિયાને બાજુમાં જ આવેલી પાનની દુકાનના સંચાલક વનરાજભાઈ ચાવડા અને દેવરાજભાઈ સોનારાએ ટપારતા કરણ સોરઠિયા ઉશ્કેરાયો હતો અને તેણે હવામાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા. ભડાકા થતાં એ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપી ભાજપ અગ્રણી કરણ સોરઠિયાને સકંજામાં લીધો હતો. પોલીસે આરોપીનું પરવાનાવાળું હથિયાર પણ કબજે કર્યું હતું. જાહેર શૌચાલયોમાં રાત્રિના દારૂ પીવા સહિતની ગેરપ્રવૃતિ થતી હોવાતી રાત્રિના બંધ કરી દેવાના નિર્ણય સામે ભાજપ આગેવાન સોરઠિયાએ વિરોધ કરીને કાયદો હાથમાં લેતા વિસ્તારના લોકોએ તેના પર રોષ ઠાલવ્યો હતો.