![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/06/38_1687314227.webp)
જૂનાગઢ, જૂનાગઢના મજેવડી દરવાજે આવેલ દરગાહને માત્ર આધાર પુરાવા રજૂ કરવા નોટિસ આપ્યા બાદ ગણત્રીની મિનીટોમાં જ તોફાન ફાટી નિકળ્યું હતું. આમાં પોલીસ, રાહદારીઓ, એસટી બસ પર પથ્થર મારો કરાયો હતો. સાથે કેટલાક વાહનોમાં તોડફોડ કરાઇ હતી, એક બાઇકમાં આગ ચાંપી દેવાઇ હતી. ત્યારે ગણતરીના મિનીટીમાં જ આ ઘટના બનતા આમાં પૂર્વાયોજીત કાવતરૂં હોવાની પોલીસે પણ આશંકા વ્યક્ત કરી હતી. દરમિયાન આ અંગે દિવ્ય ભાસ્કરે કરેલા ઇન્વેસ્ટિગેશનમાં પણ એ વાત સામે આવી હતી કે આ સમગ્ર ઘટનાપૂર્વાયોજીત કાવતરૂં હતું.
ખાસ કરીને પોલીસ અને રાહદારીઓને મારવા માટે આખું ડમ્પર ભરીને પથ્થરો ઠાલવાયા હતા. નોટિસ પાઠવાઇ તે પહેલા મનપામાંથી જ જાણ કરાઇ હતી જેથી બધી તૈયારી કરાઇ હતી. સાથે બનાવ સમયે બહારગામથી પણ કેટલાક તોફાની તત્વો આવી ગયા હતા. ત્યારે તેને કેવી રીતે ખબર પડી જેના કારણે તેઓ ગણતરીની મિનીટોમાં ઘટના સ્થળે હાજર થઇ ગયા? ત્યારે આ ત્રણ બાબતો ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી હતી જેનાથી એમ માની શકાય છે કે આ સમગ્ર ઘટના પૂર્વાયોજીત કાવતરૂં જ હતું.
મજેવડી દરગાહ પાસેના વિસ્તારમાં હંમેશા સફાઇ થતી હોય છે. અહિં વેફરનું ખાલી પેકેટ પણ નાંખેલ પડ્યું હોવાનું નજરે પડતું નથી. આવો વિસ્તાર કે જ્યાં નાનકડી કાંકરી પણ જોવા મળતી નથી. ત્યાં પોલીસ પરના હુમલા સમયે પથ્થરોનો વરસાદ થયો. ત્યારે ઓચિંતા આ ઢગલો પથ્થરો આવ્યા ક્યાંથી એ મોટો સવાલ છે. દરમિયાન તોફાન પૂર્વે ડમ્પર ભરીને પથ્થરો ઠલાવાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ પથ્થરો એવી જગ્યાએ ઠલાવાયા કે જ્યાં સીસીટીવી કેમેરા ન હતા.
જૂનાગઢના ડીવાય.એસ.પી. હિતેષ ધાંધલીયાએ કહ્યું હતું કે જ્યારે પોલીસ પર હુમલો થયો ત્યારે આ હુમલામાં સ્થાનિકની સાથે બહારગામના લોકો પણ હોવાનું સામે આવ્યું હતું. હાલમાં વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવા તોફાની બારક્સોની અટક કરાઇ છે. ત્યારે મજેવડી દરગાહને નોટિસ આપ્યાની ગણતરીની મિનીટોમાં જ તેને કેવી રીતે જાણ થઇ અને તે છેક વિસાવદરના નાના ગામડામાંથી જૂનાગઢ સુધી કેવી રીતે પહોંચ્યા? તેની તપાસ થઇ રહી છે. આ બધી બાબતો જ આ ઘટના પૂર્વાયોજીત કાવતરૂં હોવાનું સ્પષ્ટ કરે છે. કોર્પોરેશનમાંથી જ વાત ફૂટી ગઇ હતી. જ્યારે દરગાહ અને મંદિર સહિત ૮ ધાર્મિક સ્થાનોને આપવા માટે નોટિસ તૈયાર થઇ રહી હતી, હજુ તો બજવણી પણ બાકી હતી ત્યાં જ કોર્પોરેશનમાંથી જ કોઇ કર્મીએ મેસેજ કરી દીધા હતા કે દરગાહના મામલે નોટિસ તૈયાર થઇ ગઇ છેે. જેને પગલે લોકોને ભેગા થવાનો સમય મળી ગયો હતો. જોકે, નોટિસ ચોટાડ્યા બાદ અન્ય જગ્યાએ નોટિસ ચોટાડી પરત ફરતા મોટું ટોળું જમા થઇ ગયું હતું અને મનપાની ટીમને રોકી રાખી હતી. જોકે, કર્મીઓ નિકળી જતા બચી ગયા.
જૂનાગઢમાં પોલીસ પર હુમલાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ પોલીસ પર અનેક વખત હુમલા થયા હતા. ત્રણેક વર્ષ પહેલા એ ડિવીઝન પોલીસ સ્ટાફ એક આરોપીને પકડવા માટે સુખનાથ ચોકમાં ગયા હતા. ત્યારે પણ ગણત્રીની મિનીટોમાં જ મોટું ટોળું એકઠું થઇ ગયું હતું અને પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી પીએસઆઇ પર હુમલો કર્યો હતો જેનો વિડીયો જેતે સમયે વાઇરલ થયો હતો. આ ઉપરાંત ચાલુ કોર્ટ દરમિયાન પણ એક પોલીસ કર્મી પર કોર્ટ પરિસરમાં જ છરી વડે હુમલો કરાયો હતો. આમ, પોલીસ પર હુમલાની ઘટનાઓ અવાર નવાર બની છે. તેમ છત્તાં કહેવાતા કોઇ આગેવાનોએએ તેની સામે ક્યારેય વિરોધ નોંધાવ્યો નથી!!