આણંદ, ગુજરાત પોલીસમાં ભ્રષ્ટાચાર એ કોઈ નવી વાત નથી. ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસ કરી લાખો-કરોડો રૂપિયાના તોડ કરવા, દારૂ-જુગારના અડ્ડા ચલાવવા, આરોપીને ફાયદો થાય તેવા કાગળો તૈયાર કરવા આવી તો અનેક પદ્ધતિઓ ભ્રષ્ટ પોલીસ અધિકારી-કર્મચારીઓ અપનાવી રહ્યાં છે. વર્ષોથી ચાલી આવતી આ ભ્રષ્ટાચારની પરંપરાથી કોમન મેન થી લઈને મુખ્યમંત્રી સુધી સૌ કોઈ અવગત છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ રૂપિયા ૨ લાખની લાંચ લેતા આણંદના બે હેડ કોન્સ્ટેબલને ઝડપી લીધા છે. એસીબીના છટકામાં પોલીસ આરોપી બદલવાનો ધંધો કરતી હોવાનો ખેલ ઉઘાડો પડ્યો છે.
આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગત સપ્ટેમ્બરમાં નોંધાયેલા દારૂના એક ગુનામાં ગોધરાના એક શખ્સનું નામ ખૂલ્યું હતું. આ મામલે આણંદ ટાઉનના હેડ કોન્સ્ટેબલ ગત ૧ ઓક્ટોબરના રોજ ગોધરા ખાતે તપાસ અર્થે ગયા હતા અને ત્યાં એક શખ્સ સાથે મુલાકાત કરી હતી. પ્રોહિબિશનના કેસના આરોપીએ પોતાના બદલે મિત્રને આરોપી તરીકે કેસમાં હાજર કરવાની વાત કરી હતી. આરોપી બદલવાની વાતને લઈને તપાસ કરી રહેલા હે.કો. તૈયાર થઈ ગયા હતા અને લાંચ પેટે ૨ લાખ રૂપિયા માગ્યા હતા. એસીબીના ફરિયાદી (પ્રોહિબિશન કેસના આરોપી) એ હે.કો. સાથેની લાંચની સમગ્ર વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. આ મામલે એસીબીને ફરિયાદ કરવામાં આવતા ગઈકાલે ૯ ઓક્ટોબરના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. છઝ્રમ્ એ ગોઠવેલા છટકામાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની બહાર બે હેડ કોન્સ્ટેબલ ૨ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.એસીબીએ આણંદ ટાઉનના ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ગઢવી અને રફીક વ્હોરાની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.
દારૂ અને જુગારના કેસમાં તોડ કરવાની પ્રથા અનેક દસકાઓથી ગુજરાત પોલીસમાં ચાલી આવે છે. રાજ્યમાં રોજ પ્રોહિબિશન અને જુગારના સંખ્યાબંધ કેસ નોંધાય છે. મોટાભાગના કેસમાં પોલીસ યેનકેન પ્રકારે રોકડી કરતી રહે છે. કેટલાંક અધિકારી-કર્મચારી કેસ કરીને અને કેટલાંક નીલ કાર્યવાહી કરીને લાખો રૂપિયા કમાય છે. દારૂ-જુગારના કેસમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ નહીં લેવાના, રિમાન્ડ દરમિયાન પરેશાન નહીં કરવાના, જામીન પર મુક્ત કરવાના તેમજ આરોપી બદલવાના એમ અલગ-અલગ સેવા બદલ હજારોથી લઈને લાખો રૂપિયાની લાંચ લેવાય છે. આ ઉપરાંત તપાસના કાગળોમાં રમત રમવાની અલગ રકમ લેવાય છે.
ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં સૌથી વધુ રસ આઇપીએસ અધિકારીઓને હોય છે. હજારો કરોડના કેસમાં તપાસ અધિકારી આઇપીએસની મીલીભગતથી લાખો-કરોડો રૂપિયા ખંખેરતા હોવાના અનેક કિસ્સા ઉચ્ચ આઇપીએસ કે પછી સરકાર સુધી પહોંચ્યા છે. થોડા મહિનાઓ અગાઉ અમદાવાદના માધવપુરામાં થયેલા હજારો કરોડોના ક્રિકેટ સટ્ટા બેટિંગ ડબ્બા ટ્રેડિંગના કેસમાં એક પીઆઇએ આરોપીઓ પાસેથી મસમોટી રકમ પડાવી હતી અને સિનિયર આઇપીએસને હિસ્સો પણ આપ્યો હતો. પશ્ર્ચિમ અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ચારેક વર્ષ અગાઉ નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં કુખ્યાત બુટલેગર વિજય ઉધવાણી ઉર્ફે વીજુ સિંધી વિરૂદ્ધ તપાસ અધિકારી પીએસઆઇએ સમયસર ચાર્જશીટ કર્યું ન હતું. આ પેટે પીએસઆઇએ વૉન્ટેડ વીજુ સિંધી પાસેથી મસમોટો આથક લાભ મેળવ્યો હતો. જો કે, આ મામલામાં પણ પીએસઆઇ સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસનું શું થયું તે તો રામ જાણે.