હવે પોલીસ દમન કે પોલીસની ફરિયાદ માટે અલગ નંબર જાહેર કરાશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઇકોર્ટને આ માટે બાંહેધરી આપી છે. હાલના 100 અને 112 નંબર પણ સેવામાં ચાલુ રહેશે.બાદમાં પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધની ફરિયાદ માટે નવો નંબર જાહેર થશે. જાહેર થનાર નંબર તમામ નાગરિકોને જાણ થાય તેવી સુવિધા કરાશે.
એડવોકેટ જનરલ દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટને મહત્વની જાણકારી આપવામાં આવી છે. પહેલા કોઇ પણ લોકો વિરુદ્ધ અથવા તો શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય ત્યારે 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી. જો કે પોલીસ જો તમારા વિરુદ્ધ કઇ કરે છે અને તમારે પોલીસ વિરુદ્ધ જ ફરિયાદ કરવી છે તો તેના માટે હવે ડેડીકેટેડ નંબર એટલે કે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે.આ નિવેદન એડવોકેટ જનરલ દ્વારા હાઇકોર્ટમાં આપવામાં આવ્યુ છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના જે નિયમ છે તે પ્રમાણે 112 હેલ્પ લાઇન નંબર તાત્કાલિક મદદ માટે ચાલુ રહેશે.ઉપરાંત મહત્વની વાત એ છે કે હવે ક્યાંય પણ પોલીસ દમન જોવા મળશે ભલે તે નાનાથી લઇને મોટા અધિકારી જ કેમ ન હોય, વ્યક્તિ તે નંબર પર ફરિયાદ કરી શકશે.આ ડેડીકેટેડ હેલ્પલાઇનમાં જે ફરિયાદ જશે તેના પર 24 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.આ ખાતરી એડવોકેટ જનરલ દ્વારા આપવામાં આવી છે. 12 જાન્યુઆરીએ આ બાબતમાં વધુ એક વાર સુનાવણી હાથ ધરાશે. આ મામલે વિગતવાર મુદ્દાઓ તે દિવસે હાઇકોર્ટના રેકર્ડ ઉપર મુકવામાં આવશે.