બ્રિટનના મોટા શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે જ્યારે ઈઝરાયેલનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ, બ્રિટિશ પોલીસે ચેતવણી આપી હતી કે હમાસને સમર્થન કરનારાઓની ધરપકડ કરવામાં આવશે. પરંતુ પોલીસની આ ચેતવણી છતાં બ્રિટનના ઘણા શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે.
લંડન, માન્ચેસ્ટર, લિવરપૂલ, બ્રિસ્ટોલ, ગ્લાસગો અને ન્યુકેસલ જેવા બ્રિટિશ શહેરોમાં મહિલાઓ, પુરુષો અને બાળકો હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ કરી રહ્યા છે. આ પ્રદર્શનકારીઓ ઇઝરાયેલ પાસે ગાઝામાં યુદ્ધ રોકવાની માંગ કરી રહ્યા છે. આ પ્લેકાર્ડ્સ પર ‘સ્ટોપ બોમ્બિંગ ગાઝા’ લખેલું છે. તેઓ ઇઝરાયલને ગાઝા સામે યુદ્ધ બંધ કરવા વિનંતી કરી રહ્યા છે.
મેટ્રોપોલિટન પોલીસનું કહ્યું છે કે, તે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે લંડનમાં પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શન પર નજર રાખવા માટે 1,000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરશે. ત્યારે બ્રિટનના અનેક શહેરોમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે.
લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઋષિ સુનક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘શેમ ઓન યુ ઋષિ સુનક’ના નારા લાગ્યા હતા. સુરક્ષાના કારણોસર વડાપ્રધાનના આવાસ બહાર એક ડઝન પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈઝરાયેલે પેલેસ્ટાઈનીઓને 24 કલાકમાં ગાઝા ખાલી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. આ પછી મોટી સંખ્યામાં લોકો ઉત્તરી ગાઝામાંથી બહાર નીકળી રહ્યા છે. પરંતુ યુનાઈટેડ નેશન્સે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ગાઝામાંથી આટલી મોટી સંખ્યામાં લોકોને બહાર કાઢવાથી ભારે સંકટ સર્જાઈ શકે છે. તેણે ઈઝરાયેલ સરકારને આ ચેતવણી પાછી ખેંચવા પણ કહ્યું છે.