અમદાવાદ, એરપોર્ટ પરથી મોડી રાત્રે ૧ વર્ષના દીકરા સાથે ઘરે જઇ રહેલા દંપતીને પોલીસે આંતરીને રૂ.૬૦ હજારનો તોડ કરવાના કેસમાં હાઇકોર્ટે કરેલી સુઓમોટોની સુનાવણી બુધવારે હાથ ધરાઇ હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્વના સૂચનો કર્યા હતાં. પોલીસ કે ઓથોરિટી સામે કોઈને પણ ફરિયાદ કરવી હોય તો તે માટે ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર જનરેટ કરવામાં આવે. તેમજ દરેક જિલ્લા કક્ષાએ પોલીસ કમ્પ્લેઇન ઓથોરિટીની રચના કરવામાં આવે. તેમજ રાજ્ય કક્ષાએ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં બોર્ડ બનાવવામાં આવે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુધા માયાની ખંડપીઠે રાજ્ય સરકારપક્ષને જણાવ્યું હતું કે, તમને જે સૂચનો કર્યા છે, તે પરત્વે શું કરવા માગો છો તે મુદ્દે ૨૨ સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે, પોલીસ સામે ફરિયાદ હોય તો કોઈ નાગરિક ફરિયાદ કરી શક્તો નથી, તેના માટે અલગ બોર્ડ બનાવવા અને જિલ્લા કક્ષાએ જજની અધ્યક્ષતામાં તેની રચના કરવાના સૂચન કર્યા હતા. ડીવાયએસપી અને ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. પોલીસ સત્તાવાળા સામે ફરિયાદનો એક અલગ હેલ્પલાઈન નંબર હોવો જોઈએ.
આ હેલ્પલાઈન નંબર અન્ય હેલ્પલાઈન નંબર સાથે જોડાયેલો હોવો જોઈએ તે વાતનું રાજ્ય સરકારે ધ્યાન રાખવું જોઈએ. રાજ્યમાં દરેક જિલ્લા કક્ષાએ નિવૃત ડિસ્ટ્રીક જજની અધ્યક્ષતામાં બોર્ડની રચના કરવામાં આવે. જિલ્લા કક્ષાએ ડીવાયએસપી કક્ષાના અધિકારી અને રાજય સ્તરે એસપી કે તેનાથી ઉપરી અધિકારી સામે ફરિયાદ કરી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઇએ.લોકો દ્વારા પોલીસ કે ઓથોરિટી વિરુદ્ધ જે કોઇ ફરિયાદ કરવામાં આવી હોય તેનો ઝડપી નિકાલ થાય તે માટે ચોક્કસ સમય મર્યાદામાં પણ નક્કી કરવી જોઈએ.