મુંબઈ,
૧૯૯૯ની હત્યાના કેસમાં છોટા શકીલ ગેન્ગના કથિત શાર્પ શૂટરને ૨૦ વર્ષથી પોલીસ શોધી રહી હતી જ્યારે આ સમય દરમ્યાન આરોપી અન્ય કોઈ કેસમાં જેલમાં કાચાકેદી તરીકે રહી ચૂક્યો હોવાની નોંધ કરીને કોર્ટે આ બાબતને ગુપ્ત રહસસ્ય ગણાવ્યું હતું.
મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) કેસના વિશેષ જજ બોમ્બે અમન કમિટીના પ્રમુખ વાહિદ અલી ખાનની ૧૯૯૯મા હત્યાના કેસના આરોપી માહિર સિદ્દીકીને ત્રીજી ફેબુ્રઆરીએ મુક્ત કરતા આપેલા આદેશમાં આ નિરીક્ષણ કર્યું હતું.કોર્ટે સરકારી કેસમાં અનેક વિસંગતીઓ નોંધી હતી.
સરકારી પક્ષના જણાવ્યા અનુસાર સિદ્દીકી અને સહઆરોપી સામે જુલાઈ ૧૯૯૯ના રોજ એલટી રોડ પર ઘર પાસે ખાનની હત્યા કરી હોવાનો આરોપ છે. મે ૨૦૧૯ના રોજ પોલીસે સિદ્દીકીને શોધીને તેની ધરપક કરી હતી અને તેની સામે પુરતા પુરાવા મેળવીને આરોપનામું દાખલ કર્યું હતું.તપાસ દરમ્યાન સિદ્દીકી અને છોટા શકીલ સહિત છ જણની સંડોવણી જણાઈ હતી.આરોપનામું દાખલ કરતી વખતે સરકારી પક્ષે સિદ્દીકી ફરાર હોવાનું જણાવ્યું હતું. પણ ૨૦૧૪ અને ૨૦૧૯ દરમ્યાન અન્ય કેસમાં સીઆઈડીએ તેની ધરપકડ કરી હતી. પોલીસ તેને શોધવામાં નિષ્ફળ ગઈ જ્યારે વાસ્તવમાં તે જેલમાં હતો એમ કેમ બની શકે? આનું કારણ માત્ર પોલીસ જ જણાવી શકે છે, એવી ટકોર કોર્ટે કરી હતી.
સરકારી પક્ષના કેસમાં વિસંગતી દર્શાવીને કોર્ટે જણાવ્યું હતું કે નજરે જોનાર કોઈ સાક્ષીએ દાવો કર્યો નથી કે આરોપી ઘટનાસ્થળે હાજર હોય. ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને મોટરસાઈકલ પોલીસે જપ્ત કરી નથી. આરોપીએ કબૂલાતનામું પણ પોતાનું નહોવાનો કોર્ટમાં દાવો કરતાં એ પણ શંકાસ્પદ છે, એમ કોર્ટે નોંધ્યું હતું. આ બાબતોને ધ્યાનમાં રાખતાં કેસ શંકાસ્પદ છે અને પુરવાર કરી શકાયો નથી એમ કોર્ટે નોંધ્યું હતું.