ઇસ્લામાબાદ,પાકિસ્તાનની સંસદના પરિસરમાંથી ચોરીની ઘટના સામે આવી છે, જેને પગલે સંસદના સ્પીકર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હવે સંસદમાં પણ ચોરી થવા લાગી હોવાથી સાંસદો સહિતના લોકો આશ્ર્ચર્યમાં મુકાયા છે. દેશના અન્ય હિસ્સાઓમાં પણ ચોરી લૂટની ઘટનાઓ વધવા લાગી છે. આતંકવાદ અને કટ્ટરવાદને જ પ્રોત્સાહન આપનારા પાકિસ્તાને આર્થિક સ્થિતિ બદલવા પર યાન ના આપતા હાલ પરિસ્થિતિ એટલી કફોડી બની ગઇ છે કે લોકો સંસદમાં પણ લૂટ કરવા લાગ્યા છે.
આશ્ર્ચર્યની વાત એ છે કે ચોરોએ સંસદની સુરક્ષાને પાર કરીને સંસદમાં ઘૂસીને સાંસદોના જુતા અને ચપ્પલ જ ચોરી કરી લીધા હતા. સંસદના પરિસરમાં જ એક મસ્જિદ આવેલી છે, આ મસ્જિદમાં સાંસદો સહિતના નેતાઓ નમાઝ પઢવા ગયા હતા. સાંસદો જ્યારે નમાઝ પઢીને પરત ફર્યા ત્યારે તેઓના જૂતા ગાયબ હતા. મસ્જિદના દરવાજેથી આશરે ૨૦ જોડી જૂતા ચોરાઇ ગયા હતા. આ વિસ્તારમાં ભારે સુરક્ષા હોય છે તેમ છતા આટલી મોટી સંખ્યામાં સાંસદોના જૂતા ચપ્પલની ચોરી કોણ કરી ગયું તેને લઇને એક પ્રકારનું કુતુહલ પાકિસ્તાનમાં જોવા મળી રહ્યું છે.
ઇસ્લામાબાદની એક પત્રકાર તંજીલા મજહરે મીડિયાને જણાવ્યું હતું કે આ સમગ્ર ચૌરી પ્રકરણની નેશનલ એસેંબલીના સ્પીકર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે સંસદના પરિસરની મસ્જિદમાં સંસદના કર્મચારીઓ ઉપરાંત સાંસદો પણ નમાઝ પઢવા ગયા હતા. કોણે જૂતા કે ચપ્પલની ચોરી કરી તેને લઇને તપાસ ચાલી રહી છે. પત્રકારનો દાવો છે કે મસ્જિદ અને સંસદની પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેથી આ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં એ સ્પષ્ટ નથી થયું કે જૂતા કે ચપ્પલ માત્ર સ્ટાફના ચોરાયા છે કે નેતાઓના પણ ચોરાયા છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા એમ આસિફે દેશમાં વધી રહેલી ચોરીની ઘટનાઓને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. આથક સંકટ વચ્ચે ભિખ માગનારાઓની સંખ્યા પણ વધી રહી છે જે સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. જોકે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં ભીખ માગવી એ એક પ્રકારનો વ્યવસાય બનતો જાય છે. આ વ્યવસાયમાં મોટા અમિર લોકો જોડાયેલા છે, જેઓ ભિખારીઓ સાથે મળીને આ રેકેટ ચલાવે છે. અમે પોલીસને આવા શંકાસ્પદ ભિખારીઓની તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે. જે લોકો આવું રેકેટ ચલાવી રહ્યા છે તેઓની ધરપકડો થવા લાગી છે.