પીઓકેની હાલત બદતર..’, કાશ્મીરનો રાગ આલાપતાં પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકરે પોલ ખોલી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માંથી દેશનિકાલનો સામનો કરી રહેલા માનવાધિકાર કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફ સામે નિશાન તાકતાં કહ્યું કે તેઓ POK વિશે ખોટું બોલી રહ્યા છે. તેમણે પાકિસ્તાની વડાપ્રધાનને અરિસો બતાવતાં તેમની પોલ ખોલી નાખી હતી. 

માનવાધિકાર કાર્યકર અમજદે કહ્યું કે શરીફ કાશ્મીર અંગે હકીકતમાં ખોટા દાવા કરી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં માનવીય સંકટની ગંભીર સ્થિતિ છે. તેમનામાં આ હકીકત સ્વીકારવાની હિંમત નથી. ઉલ્લેખનીય છે કે, રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ તરત જ શાહબાઝ શરીફે કાશ્મીર રાગ આપ્યો હતો, જેના પછી માનવાધિકાર કાર્યકર્તાનું નિવેદન સામે આવ્યું હતું.

દેશનિકાલનો સામનો કરનારા માનવાધિકાર કાર્યકર્તાએ સ્કોટલેન્ડથી એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમણે વીડિયો દ્વારા જ પાકિસ્તાની વડાપ્રધાનની ટીકા કરી હતી. તેમણે વીડિયોમાં કહ્યું કે પાકિસ્તાની કાશ્મીરના લોકો મોટા પાયે ભૂખથી મરી રહ્યા છે. સરકારી કર્મચારીઓને દર મહિને પગાર મળતો નથી. પેન્શનરો એક વર્ષથી તેમના પેન્શનની રાહ જોઈ રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પગાર આપવામાં આવતો નથી. હોસ્પિટલોમાં દવાઓ નથી. રસીકરણની પણ કોઈ વ્યવસ્થા નથી. કબજા હેઠળના કાશ્મીરમાં ગ્રામીણ આરોગ્ય કેન્દ્રોને છોડી દો, ગ્રામજનોની જરૂરિયાતો માટે એક ડિસ્પેન્સર પણ નથી. પીઓકેની શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. દુનિયામાં એક પણ દેશ એવો નથી કે જે પાકિસ્તાનની ડિગ્રીને માન્યતા આપે. ત્યાંની સ્થિતિ એટલી ગંભીર છે કે ત્યાંના લોકોને તેમની સ્થિતિ વિશે સરકારને જણાવવા માટે પ્રદર્શન કરવું પડે છે. 5 માર્ચે માર્ગો પર વિરોધ રેલી કાઢવામાં આવશે.