નવીદિલ્હી,કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે ફરી પુનરોચ્ચાર કર્યો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો મુખ્ય એજન્ડા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને (પીઓકે) પાછો લેવાનો છે. જિતેન્દ્ર સિંહ હાલમાં યુનાઇટેડ કિંગડમની ૬ દિવસની મુલાકાતે છે.
જિતેન્દ્ર સિંહે આ દરમિયાન જણાવ્યું હતું કે, જો તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલને આ વિસ્તારને અન્ય રજવાડાઓની જેમ હેન્ડલ કરવાની મંજૂરી આપી હોત તો, આજે આ સ્થિતિ ઊભી થઈ ના હોત અને પીઓકેનો મુદ્દો ક્યારેય ઊભો જ ના થાત.
જિતેન્દ્ર સિંહે આ વાત લંડન સ્થિત સામાજિક જૂથો અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા દરમિયાન કહી છે. ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પીઓકેને પાકિસ્તાનના નિયંત્રણમાંથી પરત લાવવું એ મોદી સરકાર અને ભાજપનો મુખ્ય એજન્ડા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ‘ભારત વિરોધી વાતાવરણને’ બદલવા માટે હાજર લોકોનો આભાર માન્યો છે.
જિતેન્દ્ર સિંહ જમ્મુ અને કાશ્મીરની ઉધમપુર લોક્સભા સીટથી સાંસદ છે. જિતેન્દ્ર સિંહે ચર્ચા દરમિયાન જૂની સરકાર દ્વારા કરવામાં આવેલી ઘણી વિસંગતતાઓ પર વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદથી તેમના પર કામ કરી રહ્યા છે.
મંત્રીએ કહ્યું કે કલમ ૩૭૦ હટાવ્યા બાદ જ જમ્મુ અને કાશ્મીરના લોકોને પોતાની લાગણીનો અહેસાસ થયો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને જમ્મુ અને કાશ્મીરની બે દીકરીઓને અધિકાર આપવા માટે હંમેશા યાદ કરવામાં આવશે જેમને નાગરિક્તાના બંધારણીય અધિકારો અને સંપત્તિ પરના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમને પણ તેમના અધિકારો મળશે.
સિંહ સાથે ચર્ચા દરમિયાન, સામાજિક જૂથોએ હાઇલાઇટ કર્યું છે કે તે એવા લોકોને એકઠા કરી રહ્યા છે જેઓ ભારત સાથે છે. આ સંગઠન એવા લોકો વિરુદ્ધ બનાવવામાં આવી રહ્યું છે જેઓ ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે.