પીઓકેના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન, હજારો લોકો રસ્તા પર ઉતર્યા

ઇસ્લામાબાદ,

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવતા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હાલ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાન સેના વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો છેલ્લા ઘણા સમયથી સરકારથી ખૂબ નારાજ છે. આ લોકોને ભારત પાસેથી ઘણી આશાઓ છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં, ૧૯૭૪માં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના દરેક નાગરિકને અહીં જમીન ખરીદવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં લોકો સેના વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. આ લોકો ‘કબિઝ ફૌજી મુર્દાબાદ’ ના નારા લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ૧૯૪૭થી આ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. હાલમાં પીઓકેના ગિલગિટમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અહીંના નાગરિકોનું કહેવું છે કે પાકિસ્તાન સેનાએ તેમની જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી સેના સ્થાનિકોની જમીન પર ગેરકાયદે કબજો કરી રહી છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે લોકો સેના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ગિલગિટના મિનવર ગામના નાગરિકોએ ગિલગિટ સ્કાઉટ્સ અને પાકિસ્તાન આર્મીના જવાનોને ઘેરી લીધા હતા. આ જવાનો તેમના મકાનો અને અન્ય મિલક્તો તોડવા આવ્યા હતા. ત્યારે પણ લોકોએ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પાકિસ્તાનની સેના બળજબરીથી તેમની ખેતીની જમીન ગેરકાયદે કબજે કરી રહી છે.

લોકોનું કહેવું છે કે, જો તેમની સાથે કોઈ દુર્ઘટના થશે તો તેના માટે પાકિસ્તાન આર્મી જવાબદાર રહેશે. તેમનું કહેવું છે કે મુખ્ય સચિવે આ મુદ્દો ઉકેલવો જ પડશે. જો તે આમ નહીં કરે તો તે આ મામલો વડાપ્રધાન શહેબાઝ શરીફ પાસે ઉઠાવાશે. કેટલાક સ્થાનિક નાગરિકોએ તો ત્યાં સુધી કહ્યું કે સેના એક ષડયંત્ર હેઠળ ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો સુધી લાભો પહોંચવા દેતી નથી. ૧૯૮૪માં કારાકોરમ હાઈવેનું નિર્માણ થયું ત્યારથી ગિલગિટ-બાલ્ટિસ્તાનનું મહત્વ પણ ઘણું વધી ગયું છે.