
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં આગામી ૩ માર્ચે નક્કી થશે કે પાકિસ્તાનના નવા વઝીર-એ-આઝમ કોણ બનશે. મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર તરીકે શાહબાઝ શરીફ ચૂંટણી મેદાનમાં છે. ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ઓમર અયુબ ખાનને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાનપદ માટે ચૂંટણી યોજાશે. વડાપ્રધાનપદ માટે ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલ ૨ માર્ચ છેલ્લો દિવસ છે.
શાહબાઝ શરીફ નવાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગ નવાઝ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. શાહબાઝ શરીફને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું સમર્થન મળ્યું છે. તો બીજી તરફ જેલમાં બંધ ઈમરાન ખાનની પાર્ટી પણ વડાપ્રધાન મુદ્દે હાર સ્વીકારવા તૈયાર નથી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ઓમર અયુબ ખાનને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. જો કે નેશનલ એસેમ્બલીમાં પક્ષવાર સભ્યોની સંખ્યા જોતા શાહબાઝ શરીફ સાવ સહેલાઈથી ચૂંટણી જીતવામાં સફળ થશે તેવી પૂરી આશા છે.
વડાપ્રધાનની ચૂંટણીમાં બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીએમએલએનને શેહબાઝ શરીફને પીએમ બનાવવામાં મદદ કરી રહી છે. બંને પક્ષો પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી દાવો કરી રહ્યા છે કે તેમની પાસે પૂરતું સમર્થન છે. આ પહેલા શાહબાઝ ૨૦૨૨માં પણ પાકિસ્તાનના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. આ એ સમય હતો જ્યારે ઈમરાન ખાનને અવિશ્ર્વાસના પ્રસ્તાવ બાદ સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે થયેલી ડીલ મુજબ શાહબાઝને પીએમ બનાવવામાં બિલાવલની પાર્ટી મદદ કરશે. તેના બદલામાં નવાઝની પાર્ટી આસિફ અલી ઝરદારીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવા માટે સમર્થન કરશે. ઝરદારી અગાઉ ૨૦૦૮ થી ૨૦૧૩ સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ ૨૬૬ બેઠકો છે. જેના પર મતદાન થાય છે. જો કે આ ચૂંટણીમાં માત્ર ૨૬૫ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. હવે કોઈપણ પક્ષ જે પાકિસ્તાનમાં સરકાર બનાવવા માંગે છે તેને ૧૩૩ સભ્યોની જરૂર છે. અહીં નોંધનીય બાબત એ છે કે આ ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. તેથી હવે પાકિસ્તાનના બે મોટા રાજકીય પક્ષો ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યા છે.
જો ચૂંટણીની વાત કરીએ તો આ વખતે ઈમરાન ખાનને સમર્થન આપતા ૯૩ ઉમેદવારો જીત્યા છે. નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ બીજા સ્થાને છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝે ૭૫ બેઠકો જીતી છે. બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ત્રીજા સ્થાને છે, જેને ૫૪ બેઠકો મળી છે. ૧૭ બેઠકો મળી છે. ઈમરાન ખાનની પીટીઆઈને સત્તાથી દૂર રાખવા માટે પીએમએલ-એન અને પીપીપીએ ૪ નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે.