નર્મદા, નર્મદા જિલ્લાના પોઈચા ગામ નજીક નર્મદા નદીમાં સુરતના આઠ લોકો ડૂબ્યા હતા, જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો. આજે (૧૬મી મે) સતત ત્રીજા દિવસે એનડીઆરએફની ટીમ અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો.
નર્મદા જિલ્લાના પોઈચા ગામે મંગળવારે (૧૪મી મે) નર્મદા નદીમાં નાહવા પડેલા સુરતના સાત લોકો ડૂબ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળ્યા છે. એનડીઆરએફની ટીમને નંદરીયા ગામ નજીક નદીમાંથી મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ મૈત્રક ભરત બદલાણિયા તરીકે થઈ હતી. હજી પણ અન્ય ત્રણ લાપતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધામક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઈચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના આઠ લોકો તણાયા હતા. આ બનાવની જાણ નજીકના ગ્રામજનોને થતા તેઓએ એક વ્યક્તિને બચાવી લીધો હતો. જ્યારે પરિવારના બાકીના સાત સભ્ય ડૂબી ગયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.