પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડુતોમાં આનંદ

પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારથી સતત ધીમી ધારે વરસાદ પડતા ખેડુતો આનંદિત થઈ ઉઠ્યા છે. સવારથી પડતા એકધારા વરસાદને ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થવા પામી છે.

પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વરસાદી વાતાવરણ બનતુ હોય છતાં વરસાદ નહિ વરસતા ખેડુતો ચિંતિત બન્યા હતા. ત્યારે આજ સવારથી પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક એકધારો વરસાદ પડતા ખેડુતોમાં આનંદની લાગણી જોવા મળી છે. અને ખેડુતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે. મોડીરાતથી વરસાદી માહોલ બન્યો હતો અને સવારથી સતત એકધારા વરસાદ પડ્યો હતો. એકધાર્યા વરસાદને લઈ ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારો ચિત્રાવાડી, ખાડી ફળિયા, સિંદુરીમાતા મંદિર વિસ્તાર, કોડયા ફળિયા, ઝુલેલાલ સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહિશોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. સવારથી સતત ધીમી ધારે વરસાદને લઈ જન જીવન ઉપર અસર જોવા મળી હતી. રોડ ઉપરથી કામ માટે નીકળેલ વાહનચાલકો વરસાદને લઈ પરેશાન થતાં જોવા મળ્યા હતા. ધીમી ધારે એકધાર્યા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

પંચમહાલ જિલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા :

શહેરા : 26 મી.મી.

મોરવા(હ) : 24 મી.મી.

ગોધરા : 24 મી.મી.

કાલોલ : 03 મી.મી.

ઘોઘંબા : 03 મી.મી.

હાલોલ : 11 મી.મી.

જાંબુઘોડા : 18 મી.મી.