વડાપ્રધાન પોતાના શિક્ષકના નિધન પર ભાવુક થયા,’મારા જીવન ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે’

અમદાવાદ,

વડાપ્રધાન નરેંદ્ર મોદીનો ગુજરાત પ્રવાસ હંમેશા કંઈક ખાસ બની જાય છે. પરંતુ આ વખતે સંજોગો ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. હાલ ચૂંટણીના સમયગાળામાં જનતાને આકર્ષવા માટે દરેક પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે આજે પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી સુરતમાં અનેક સભાઓ-રેલીઓ કરવાના છે. ત્યારે પીએમ મોદીએ પોતે જે શાળામાં ભણ્યા તે શિક્ષકના નિધન પર ટવીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ.

પીએમ મોદી પોતે જે શાળામાં ભણ્યા તે શિક્ષકનું નામ રાસબિહારી મણિયાર છે. જેમના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કર્યું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું. મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું.

અગાઉ પણ પીએમ મોદી નવસારીમાં પોતાની સ્કૂલના શિક્ષક સાથે મુલાકાત કરી હતી. જે શિક્ષકે પીએમ મોદીને નાનપણમાં ભણાવ્યા હતા. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ તે દરમિયાન પોતાની સ્કૂલના શિક્ષક સાથે મુલાકાત કરી હતી. તે સ્કૂલના શિક્ષકનું નામ જગદીશ નાયક છે. પીએમ મોદી તે વખતે પોતાના શિક્ષકને બંને હાથ જોડીને પ્રણામ કરી રહ્યા હતા, જ્યારે પહેલાના સ્કૂલના શિક્ષકે તેમના માથા પર હાથ રાખીને તેમને આર્શીવાદ આપ્યા હતા.