વડાપ્રધાનનો જવાબ

હાલની લોક્સભાનું આખરી સત્ર જ્યારે સમાપન નજીક છે ત્યારે આ સદનમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કંઈ કહ્યું, તેના ઊંડા રાજકીય અર્થ છે. પોતાના વક્તૃત્વ કૌશલ્યનો ઉપયોગ કરતાં અસલમાં તેમણે એક રીતે આગામી લોક્સભા ચૂંટણીની પૂર્વભૂમિકા બાંધી દીધી. દેખીતું છે, તેમણે આ અવસરે જે આત્મવિશ્ર્વાસનું પ્રદર્શન કર્યું, તેની પાછળ વિપક્ષને ચિંતામાં નાખવાની સાથે સાથે એનડીએને પ્રોત્સાહિત કરવાની એક સુવિચારિત રણનીતિ હતી. ઉલ્લેખનીય છેકે જે સમયે વડાપ્રધાન જવાબ આપવા માટે લોક્સભામાં ઊભા થયા, તેના થોડા કલાક પહેલાં ઝારખંડમાં વિપક્ષી ગઠબંધને ન માત્ર પોતાની સરકાર બચાવવામાં સફળતા મેળવી, બલ્કે ચંડીગઢના મેયરની ચૂંટણીના મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પણ સત્તારૂઢ ભાજપ માટે બહુ સુખકર ન હતી. એવામાં પોતાના કાર્યર્ક્તાઓના મનોબળને ટકાવી રાખવા અને વિપક્ષના ઉત્સાહને ઠંડો કરવા માટે તેમણે એનડીએ આ વખતે ૪૦૦ પારનું સૂત્ર આપી દીધું. હાલની લોક્સભાને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ના ખાતમાનું શ્રેય જાય છે, તેથી ૩૭૦ સીટો પર ભાજપની જીતનો તેમનો દાવો એક મનોવૈજ્ઞાનિક સંદેશ આપવાની કોશિશ છે.

એ સ્વાભાવિક હતું કે વડાપ્રધાન પોતાના જવાબમાં પાછલાં ૧૦ વર્ષો દરમ્યાન હાંસલ કરેલ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા, પરંતુ જે રીતે તેમણે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર વ્યંગ બાણ છોડ્યાં, તે સહેતુક જ હતાં. વડાપ્રધાન સારી રીતે જાણે છે કે પોતાના વિપક્ષીને ક્યારેય કમજોર ન આંકવો જોઇએ, વળી આગામી સંસદીય યુદ્ઘમાં જે પાર્ટી સાથે તેમનો સૌથી વધુ સીટો પર આમનો-સામનો થવાનો છે, તેની ખામીઓ, તેના અંતવરોધોને દેશ સામે મૂકવાનો અવસર તેઓ એમ જ કઈ રીતે જવા દે? એ પણ ત્યારે, જ્યારે સીધો મુકાબલો ધરાવતા પ્રદેશોમાં ભાજપ લગભગ સો ટકા સીટો પર આસન્ન છે? એવામાં કોઈપણ દક્ષ રાજનેતા પોતાના વિરોધી દળ પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવી રાખવા માગશે. કોંગ્રેસ પર વડાપ્રધાનના શાબ્દિક પ્રહારને આ જ રૂપે લેવા જોઇએ. એમ તો એ સંસદીય પરંપરાર રહી છે કે લોક્સભા જ્યારે પોતાના અંતિમ પડાવ પર પહોંચે છે અને તેના સદસ્ય પોતાની આગામી ઇનિંગ માટે ચૂંટણી મેદાન તરફ કૂચ કરે છે, ત્યારે તે પક્ષીય જૂથબાજીથી ઉપર ઊઠીને એકબીજાના સુખદ ભવિષ્યની કામના કરે છે. પરંતુ દુર્યોગથી આપણી સ્વસ્થ સંસદીય પરંપરાઓ ઝડપથી ખતમ થતી જાય છે. હવે નેતાઓમાં અંગત કડવાશ સાફ સાફ દેખાય છે. અહીં આપણે એ દુ:ખદ ઘટનાઓની ચર્ચા નથી કરવી, જે સત્તરમી લોક્સભાના પોત પર ડાઘ સમાન છે અને તેના માટે વિપક્ષ તો મહદ્અંશે જવાબદાર છે જ, સત્તાપક્ષ પણ વત્તાઓછા અંશે જવાબદાર ગણી શકાય. સત્તરમી લોક્સભાએ આપણને એ વાતનો અનુભવ કરાવ્યો કે ભારતના સંસદીય લોક્તંત્રને સાચવવા માટે સત્તા અને વિપક્ષ વચ્ચે બહેતર સમન્વય સ્થાપિત કરવો પડશે. ચૂંટણીઓ આવતી-જતી રહેશે, સરકારો પણ આવતી-જતી રહેશે, પરંતુ ભારતનું ગૌરવ તેમની સરકારોની નહીં, તેના સંસદીય જનતંત્રની પરિપક્વતાની ક્સોટી પર જ પરખવામાં આવશે.