વડાપ્રધાનની મહત્ત્વપૂર્ણ વિદેશ યાત્રા

વડાપ્રધાનની મહત્ત્વપૂર્ણ વિદેશ યાત્રા

વડાપ્રધાન મોદીની પોલન્ડની મુલાકાત જેટલી મહત્ત્વની છે, એટલી જ યુક્રેનની મુલાકાત પણ રહેવાની છે. કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડ યાત્રા ૪૫ વર્ષો બાદ થઈ રહી છે! ભારતીય વડાપ્રધાનની યુરોપના આ મહત્ત્વપૂર્ણ દેશની યાત્રામાં આટલો લાંબો સમય નહોતો લાગવો જોઇતો. કારણ કે બંને દેશોના સંબંધો દાયકાઓથી મધુર રહ્યા છે. પોલેન્ડ માટે ભારત એટલા માટે મહત્ત્વ ધરાવે છે, કારણ કે બીજા વિશ્ર્વયુદ્ઘ દરમ્યાન જ્યારે ત્યાંની સેંકડો મહિલાઓ અને બાળકોને ક્યાંય શરણ નહોતું મળ્યું, ત્યારે ભારતીય રજવાડાંએ તેમને શરણ આપ્યું હતું. પોલેન્ડ ભારતના આ ઉપકારને ભૂલ્યું નથી.

એ સ્વાભાવિક જ છે કે ભારતીય વડાપ્રધાનની પોલેન્ડ યાત્રા બંને દેશોના સંબંધોને મજબૂત કરવાની સાથે આથક સંબંધોને પણ બળ પ્રદાન કરશે, પરંતુ સૌથી વધારે નજર તેમની યુક્રેન યાત્રા પર રહેશે. તેઓ ત્યાં ૨૩ ઓગસ્ટે ટ્રેનથી પહોંચશે. આ યાત્રા પર દુનિયાભરની નજરો રહેશે, કારણકે હાલમાં જ વડાપ્રધાન રશિયા પણ ગયા હતા. જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે, ત્યારથી અનેક દેશોના શાસનાયક્ષોએ યુક્રેનની યાત્રા કરી છે, પરંતુ એવા શાસનાયક્ષ ગણતરીના જ છે, જેમણે રશિયાની સાથે સાથે યુક્રેનની પણ મુલાકાત લીધી હોય.

ભારતીય વડાપ્રધાન એક એવા શાસનાયક્ષ છે, જેઓ રશિયા-યુક્રેન યુદ્ઘ પર તટસ્થ વિદેશ નીતિ પર અડગ છે. તેમના નેતૃત્વમાં ભારત આ યુદ્ઘનો વિરોધ પણ કરતું રહ્યું છે. પશ્ર્ચિમી દેશોને ભારતની આ નીતિ પસંદ તો ન પડી, પરંતુ તેઓ એ પણ માને છેકે ભારત જ એવો દેશ છે જે રશિયાને સંઘર્ષ વિરામ માટે રાજી કરી શકે છે. આ ધારણા ભારતની કૂટનીતિક મહત્તા અને તેના વધતા કદને રેખાંક્તિ કરે છે. તેનો શ્રેય મોદી સરકારની વિદેશ નીતિને જાય છે, જેને તેણે પોતાના પાછલા દસ વર્ષોના શાસનકાળમાં નવી ધાર આપી છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું કદ વધવાનું એક કારણ તેની અર્થવ્યવસ્થાનું તેજ ગતિથી આગળ વધવાનું પણ છે, એ પણ એવા સમયે જ્યારે પ્રમુખ દેશો આથક સુસ્તીમાં સપડાયા હતા. રશિયા-યુક્રેન યુદ્ઘ બાબતે વિશ્ર્વ સમુદાય તેની અવગણના કરી શકે છે કે ભારતીય વડાપ્રધાને કઈ રીતે રશિયન રાષ્ટ્રપતિને સ્પષ્ટ કહ્યું હતું કે આ યુગ યુદ્ઘનો નથી. વિશ્ર્વ સમુદાયે એની પણ નોંધ લેવી રહી કે ભારતની પહેલથી ભારત જી-૨૦ સંમેલનમાં રશિયા-યુક્રેન યુદ્ઘપર તમામ દેશોની સહમતિવાળો પ્રસ્તાવ પસાર કરવામાં સફળ થયું હતું.

આ સંમેલનમાં અને તેના પછી ભારતીય નેતૃત્વએ જે રીતે ગ્લોબલ સાઉથ કહેવાતા દેશોનો અવાજ બુલંદ કર્યો છે, તેનાથી પણ વિશ્ર્વ સમુદાયને એ સંદેશ ગયો છે કે ભારત આંતરરાષ્ટ્રીય વિષયોના સમાધાનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવવા સક્ષમ છે. રશિયા-યુક્રેન યુદ્ઘ રોકવું આસાન નથી, પરંતુ ભારતે તેની પહેલ તો કરવી જ જોઇએ.