ગાંધીનગર,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાડયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે ૩.૩૦ કલાકે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતાં પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્ર્વર ચરણોમાં વિરામ…મા મે હંમેશા તે ત્રિમુતની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને ૧૦૦માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.
માતાના અવસાનના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતાં અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર ૩૦ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
હીરા બાના નિધન પર તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરા બાના પિયર પક્ષના અને સાસરી પક્ષના સ્વજનો હાજર રહ્યાં હતાં તમામ સ્વજનો સ્તુતિ કરીને હીરા બાને અંતિમ વિદાય આપી હતી પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સેક્ટર ૩૦ ખાતે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતાં માતાના પાર્થિવ દેહની સાથે શબવાહિનામાં પીએમ મોદી પણ બેઠા હતા.પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહને પીએમ મોદી સહિત તેમના પુત્રોએ ભારે હૈયે અગ્નિદાહ આપ્યો હતો ગત ૪ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રી મોદીએ માતા સાથે મુલાકાત કરી હતી. આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હતા. પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો જન્મ ૧૮ જૂન ૧૯૨૩ના રોજ થયો હતો. ૧૮ જૂન ૨૦૨૨ તેમણે તેમના જીવનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. સ્મશાન ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, શંકરસિંહ વાઘેલા, પ્રફૂલ પાનસેરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હીરા બાના પાર્થિવ દેહ પર પોત ઓઢાળ્યુ હતુ. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને સંવેદના વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ તમામ ભાજપ મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રી, અને વિપક્ષના નેતાઓને કહ્યું કે આ દુ:ખની ઘડીમાં તમે ભાવનાઓ વ્યક્ત કરી, તેમના માટે આબાર પરંતુ તમે બધા તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ ચાલુ રાખો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને કહેવાયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પૂજનીય માતાજી હીરાબાના નિધનથી એક તપસ્વી જીવન પૂર્ણ થઈ ગયું. આ દુ:ખદ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ સ્વયંસેવક પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પૂજ્ય માતાજી હીરાબાના સ્વર્ગવાસની સૂચના અત્યંત દુ:ખદ છે. મા એક વ્યક્તિના જીવનના પહેલા મિત્ર અને ગુરુ હોય છે જેમને ખોવાનું દુ:ખ નિ:સંદેહ સંસારનું સૌથી મોટું દુ:ખ છે. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે હીરાબાએ જે સંઘર્ષોનો સામનો કરતા પરિવારનું પાલન પોષણ કર્યું તે બધા માટે એક આદર્શ છે. તેમના ત્યાગપૂર્ણ તપસ્વી જીવન સદા આપણી સ્મૃતિમાં રહેશે. સમગ્ર દેશ દુ:ખની આ ઘડીમાં પ્રધાનમંજ્ઞી મોદીજી અને તેમના પરિવારની પડખે છે. કરોડો લોકોની પ્રાર્થના તમારી સાથે છે. ઓમ શાંતિ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના માતા પૂજ્ય હીરાબાના નિધનથી ખૂબ જ દુ:ખ થયું. હીરાબા ઉદારતા, સાદગી, સખત પરિશ્રમ અને જીવનના ઉચ્ચ મૂલ્યોના પ્રતિક હતા. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીની માતાના નિધનના દુ:ખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત આત્માને પાવન ચરણોમાં સ્થાન આપે. મોદીજી અને તેમના પરિવારના સભ્યો દુ:ખની આ ક્ષણોમાં હિંમત આપે.રાહુલ ગાંધીએ પણ હીરાબાના નિધન પર શોક વ્યકત કર્યો હતો.
હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન બની ગયું હતું. વડનગરના વેપારીઓ હીરાબાના નિધનને લઇ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. વડનગરવાસીઓએ બજાર બંધ રાખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી.