અમદાવાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ફરી એક વાર ગુજરાતીઓ માટે વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. તેઓ રૂ. ૧૩,૦૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાન મોદી પોતાના ગુજરાત પ્રવાસમાં રાજ્યના દક્ષિણ ઝોનના ૧૧ જિલ્લાઓમાં ૧૨ વિભાગના રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તેઓ દક્ષિણ ઝોનના ૧૧ જિલ્લાઓ વડોદરા, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અને નર્મદામાં ૧૦ વિવિધ વિભાગોના રૂ. ૫૪૦૦ કરોડથી વધુનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.આ જિલ્લાઓમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયનાં ૫૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના રૂ. ૧૧૦૦ કરોડથી વધુનાં વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે. વડા પ્રધાન દ્વારા જનતાને સમપત થનારા વિકાસકાર્યોમાં તાપીના કાકરાપારમાં સ્થિત બે નવા ન્યુક્લિયર પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન એક મુખ્ય પ્રોજેક્ટ છે. ૭૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેનેબલ ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ વધારશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસકાર્યો મળીને રૂ. ૫૦૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં રૂ. ૩૦૦૦ કરોડથી વધુના ખર્ચે ૪૧ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થશે અને રૂ. ૨૦૦૦ કરોડથી વધુના ખર્ચે ૧૮ વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે.