મુંબઇ, પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે બંને ડેપ્યુટી સીએમ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ તેમજ રાજ્યપાલ રમેશ બૈસ સાથે મંચ પર હાજર હતા. કુલ રૂ. ૧૭,૮૪૦ કરોડના ખર્ચે બનેલ ૨૧.૮ કિમી લાંબી મુંબઈ ટ્રાન્સહાર્બર લિંકને ’અટલ બિહારી વાજપેયી સેવરી- ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે.
આ અટલ સેતુ મુંબઈને નવી મુંબઈથી જોડશે. આ બ્રિજ દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે નવી જીવાદોરી બનશે, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતના વિકાસનું આ એક નવું ઉદાહરણ છે. એક અંદાજ મુજબ આ પુલ પરથી દરરોજ લગભગ ૭૦ હજાર લોકો મુસાફરી કરશે. અહીં ૪૦૦ કેમેરા લગાવવામાં આવ્યા છે, આ સિવાય ટ્રાફિકના દબાણની માહિતી એકત્ર કરવા માટે છૈં આધારિત સેન્સર લગાવવામાં આવ્યા છે.
અટલ સેતુ ભારતનો સૌથી લાંબો પુલ છે અને દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેના દ્વારા મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીનો સમય પણ ઘટશે.
અટલ સેતુની વિશેષતાઓ જોઇએ તો અટલ સેતુ ૨૧.૮ કિમી લાંબો છે,તેને ૧૭,૮૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે,ડિસેમ્બર ૨૦૧૬માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો,૧૬.૫ કિમી સમુદ્ર પર અને ૫.૫ કિમી જમીન પર બાંધવામાં આવી છે.