વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે,દ્વારકાથી સીધા રાજકોટ જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી છે. વડાપ્રધાન મોદી ૨૪ ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે. તેમજ ૨૫મી એ મોદી દ્વારકાથી સીધા રાજકોટ એમ્સ જશે.

વડાપ્રધાનના આગમનને લઈ કલેકટરે ૨૬ કમિટી બનાવી છે. મોદી ૯૦૦ કરોડના ખર્ચે તૈયાર સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેમજ ૨૪ ફેબ્રુ.એ એન.ડી.એચ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે. લોક્સભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો ૫ લાખ મતની લીડથી જીતવાનો સંકલ્પ કર્યા બાદ ભાજપે તે માટેની કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ૪૦ લાખ જેટલા યુવા મતદારો છે. આ તમામ મતદારો ભાજપ તરફી મતદાન કરે તો ૫ લાખની સરસાઇ મેળવવામાં સરળતા રહે અને એટલા માટે યુવાઓને રીઝવવાની જવાબદારી ભાજપે યુવા મોરચાને આપી છે. યુવા મોરચાએ પણ જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાતની અંદર ૧૮થી ૨૨ વર્ષના ૨૫ લાખ જેટલા મતદારો છે અને ૧૮થી ૨૫ વર્ષના ૪૦ લાખ જેટલા મતદારો છે. યુવા અને મહિલા મતદારોની સંખ્યા સૌથી વધુ છે. પરિણામે આ બંને મતદારોને આકર્ષવા ભાજપ વધુ મહેનત કરશે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો ૫ લાખ મતની લીડથી જીતવા યુવાઓને આકર્ષવા મહત્વના છે.