પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગોધરા રેલ્વે સ્ટેશનનું અમૃત સ્ટેશન તરીકેના વિકાસ કામનું ઈ-ખાત મુહુર્ત કરાયું

  • ગોધરા જંકશન રેલ્વે સ્ટેશન ખાતે નવિનીકરણ હાથ ધરાશે.

ગોધરા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગોધરા રેલવે સ્ટેશનનું અમૃત સ્ટેશન તરીકે પુન: વિકાસ કરવાના કામનું ઇ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં ગોધરા જંક્શન રેલવે સ્ટેશનનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. રાજ્યસભાના નવનિયુકત સાંસદ, લોકસભા સાંસદ સહિત ગોધરા ધારાસભ્ય ગોધરા રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજ રોજ ભારતમાં આવેલા વિવિધ 554 રેલવે સ્ટેશનના પુન: વિકાસનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 554 રેલવે સ્ટેશનમાં પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવેલા ગોધરા જંક્શન રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. ગોધરા જંક્શન રેલવે સ્ટેશનનો પણ અમૃત સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત સ્ટેશનના મુખ્ય બિલ્ડીંગમાં સુધારો કરવામાં આવશે.દિવ્યાંગજન માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે,સાથે જ એક વિશાળ રૂફટોપ પ્લાઝા ઉભુ કરવામાં આવશે.જેમાં છુટક વેચાણ માટે સ્થળ, કાફેટેરિયા, મનોરંજનની સુવિધાઓ, ફ્રી વાઈ-ફાઈ, ’વન સ્ટેશન વન પ્રોડકટ’ જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક ઉત્પાદનોમાં કિઓસ્ક વગેરે સહિતની તમામ યાત્રી સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે. ટ્રાફિકના સરળ સંચાલન માટે, પૂરતા પાર્કિંગની સુવિધા સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને મેટ્રો, બસ વગેરે જેવા પરિવહનના અન્ય માધ્યમો સાથે તેનું એકીકરણ કરવામાં આવશે, સૌર ઉર્જા,જળ સંરક્ષણ-રિસાયક્લિંગ અને ઉત્તમ હરીયાળી સાથે ગ્રીન બિલ્ડિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. વધુમાં રેલવે સ્ટેશનમાં આગમન અને પ્રસ્થાન માટે અલગ દરવાજા, અવ્યવસ્થા મુક્ત પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે,તાજેતરમાં જ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યસભામાં નવનિયુકત થયેલા સાંસદ ડો જશવંતસિંહ પરમાર, લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ, ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી સહિત વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.